ધરમપુર-કપરાડામાં કુકણા-વારલી સમાજ આસો સુદ ૧૨ અને ઢોડિયા સમાજ આસો વદ ૧૨ વાઘબારસ ઉજવે છે
- byDamanganga Times
- 26 October, 2026
(દમણગંગા ટાઈમ્સ)
વલસાડ, તા. ૨૫ ઃ આદિવાસી સમાજ તેની આગવી સંસ્કૃતિની ઓળખ માટે જાણીતો છે. પ્રકૃતિદેવો ભવની ભાવના સાથે પ્રથમ કોઇપણ કાર્યમાં પ્રકૃતિની પુજા કરીને કાર્યની શરૂઆત કરે છે. સમાજની જુદી જુદી પરંપરાઓ રહી છે. દક્ષિણ ગુજરાત આદિવાસી સમાજ વાઘબારસની પણ વિશિષ્ટ રીતે ઉજવણી કરે છે. કુકણા અને વારલી સમાજ આસો સુદ-૧૨ અને ઢોડિયા સમાજ આસો વદ ૧૨ ના દિવસે વાઘબારસની ઉજવણી કરે છે.
વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા સહિતના આદિવાસી વિસ્તારોમાં વાઘ બારસનું પર્વ પ્રકૃતિ, વન્યજીવો અને પશુધન પ્રત્યેની આસ્થા સાથે જોડાયેલું છે. ખાસ કરીને ઢોડિયા આદિવાસી સમુદાયોમાં વાઘદેવની પૂજા કરવાની પરંપરા રહી છે. આ પૂજાનો મુખ્ય ભાવ માનવજીવન અને પાલતુ પશુઓનું જંગલી પ્રાણીઓથી રક્ષણ થાય તથા ગામમાં સુખ-શાંતિ જળવાઈ રહે તેવો છે.
આદિવાસી લોકમાન્યતાઓમાં વાઘને શક્તિશાળી વન્યજીવ અને વનદેવના પ્રતીક તરીકે આદર આપવામાં આવે છે. ભૂતકાળમાં જંગલ સાથે ગાઢ સંબંધ ધરાવતા આદિવાસી પરિવારો માટે વાઘ અને અન્ય વન્યજીવોનું અસ્તિત્વ દૈનિક જીવનનો મહત્વનો ભાગ હતો. પશુધન અને માનવજીવનના રક્ષણની પ્રાર્થના સાથે વાઘદેવની પૂજા થાય છે.
પરંપરા મુજબ ગામમાં આવેલા વાઘદેવના સ્થાનકે અથવા પરંપરાગત પૂજાસ્થળે પૂજા કરવામાં આવે છે. સ્થાનિક માન્યતાઓ અનુસાર પૂજા સામગ્રી, નૈવેદ્ય અને પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. કેટલાક વિસ્તારોમાં ખીરનો પ્રસાદ ધરાવવાનો ઉલ્લેખ મળે છે.
ધરમપુર તાલુકાના સજનીબરડા ગામે વાઘબારસની ઉજવણી અવસરે ગામના પોલીસ પટેલ નાનુભાઇ લક્ષુભાઇ દેશમુખ જણાવે છે કે, વાઘદેવની પુજા પહેલા ડુંગરપર માવલી માતાની પુજા અર્ચના કરવામાં આવે છે અને ત્યારબાદ વાઘદેવની પુજા ગામલોકો ભેગા મળીને કરે છે. વાઘદેવની પુજાનો મુખ્ય આશય ગામની રક્ષા માટે છે. લોકોની સુખશાંતિ વધે, ઢોરઢાખરનું રક્ષણ થાય, ગામલોકોને કોઇ મુશ્કેલી ન પડે તે છે. જયાં ઍક બંધારણ પણ કરવામાં આવે છે. ઘાસના બે પુળા લઇ સળગાવી તેના ઉપરથી ગામના કોટવાળ ત્રણવાર કુદે છે. જેને માતાજી માટેનો હોમ કહેવાય છે. ખાસ કરીને પશુધનની સુખાકારી માટે ગાય, ભેંસ, બકરી સહિતનાં પાલતુ પશુઓ સુરક્ષિત રહે અને જંગલી પ્રાણીઓથી નુકસાન ન થાય તેવી પ્રાર્થના કરવામાં આવે છે. ઍવુ કહેવાય છે કે, નવરાત્રિ ના દશેરા પૂજન બાદ ડુંગર દેવ અને માવલી માતાની પૂજા કરવાની શરૂઆત થાય છે.
તેઓ વધુમાં કહે છે કે, વાઘદેવની પુજા સાથે વિશેષ ધ્યાન ઍ પણ રાખવામાં આવે છે કે, ભીસાસુરની વિશેષ બલી ઍટલે કે વાઘદેવથી ઉઘાં બેસીને ભગત પડદો રાખીને નાળયેર ચઢાવે છે ઍટલે કે બલી આપે છે. કહેવાય છે કે ભીસાસુરને આંખ સામે આંખ મીલાવી શકતા નથી ઍટલે પડદો રાખવામાં આવે છે. જેથી કોઇ નુકશાન ન થાય. સજનીબરડાના ગુલાબભાઇ ખરપડે જણાવે છે કે, અગાઉ ગામમાં ઢોર-ઢાંખર ન હતા. જેથી કુંકણા પવાર નું કુટુંબને ગામમાં વસાવ્યા જે પશુપાલનનો વ્યવસાય કરતા, આજે ગામ પશુપાલન વ્યવસાય કરે છે. અને વાર-તહેવારે આદિવાસીઓના દેવી-દેવતાઓની પુજા કરે છે. આદિવાસી સમાજની પ્રકૃતિ સાથેની નિકટતા, પશુધન પ્રત્યેની સંવેદના, સામૂહિક જીવન અને પેઢી દર પેઢી આગળ વધતી લોકપરંપરાઓને સમજવાની તક પણ છે. ગામના લોકો પરંપરા મુજબ ઍકત્ર થઈ પ્રકૃતિ વિધિઓમાં ભાગ લે છે અને લોકરીતિઓ દ્વારા પોતાની સાંસ્કૃતિક ઓળખ જાળવે છે. ઢોડિયા અને કુંકણા-વારલી સમાજ વાઘબારસની ઉજવણીમાં થોડી ભિન્નતા જોવા મળે છે. ઢોડિયા સમાજમાં વાઘબારસની ઉજવણી વખતે ખાસ ખીર બનાવવામાં આવે છે. ઍક ઢોરના ગોવાળિયાને વાઘ બનાવવામાં આવે છે. ગામના નકકી કરેલી જગ્યાઍ બધા ઢોર રાખી વચ્ચે ગોવાળિયો ઍટલે કે વાઘને રાખવામાં આવે છે અને ઢોરને ગોળ ગોળ ફેરવવામાં આવે છે. વાઘને લોકો દ્વારા દેશી ચેવટો (જંગલી ફળ) દ્વારા મારવામાં આવે છે. વાઘ ભાગીને નદી સુધી જાય અને ત્યાંથી મોઢામાં પાણી લઇ પાછો આવે છે.
