દિવાળી ટાંણે ખાનગી બસના ભાડામાં ત્રણ ગણો વધારો
- byDamanganga Times
- 26 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૫ ઃ દિવાળીના તહેવારની શરૂઆત થતાં જ મુંબઈથી અમદાવાદ, રાજકોટ, સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ દોડતી ખાનગી લક્ઝરી બસોના ભાડામાં અચાનક ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો હોવાની ફરિયાદો ઊઠી છે. વલસાડ જિલ્લાના ઔદ્યોગિક ઍકમો તેમજ સુરતના હીરા અને ટેક્સટાઇલ માર્કેટમાં કામ કરતા શ્રમિકો માટે દિવાળીના તહેવારમાં વતન જવું મોંઘું બની ગયું છે. નેશનલ હાઇવે નંબર ૪૮ના માર્ગે મુંબઈથી ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિતનાં વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો રોજગારી માટે આવે છે. વાપી, વલસાડ અને સુરતના ઔદ્યોગિક ઍકમો તથા વેપારી સંસ્થાઓમાં કામ કરતા આ શ્રમિકો દર વર્ષે દિવાળીના તહેવારની ઉજવણી પોતાના પરિવાર સાથે કરવા વતન જતા હોય છે. જોકે, તહેવારના દિવસોમાં મુસાફરોની વધતી સંખ્યા વચ્ચે ખાનગી બસના ભાડામાં થયેલા વધારાને કારણે તેમની મુશ્કેલીઓ વધી છે.
હાલમાં ટ્રેનોમાં મર્યાદિત સુવિધાઓ અને ટિકિટની ઉપલબ્ધતાની સમસ્યાને કારણે અનેક શ્રમિકોને વતન જવા માટે ખાનગી લક્ઝરી બસનો સહારો લેવો પડી રહ્ના છે. આ પરિસ્થિતિનો લાભ લઈને ખાનગી બસ સંચાલકો અને ટ્રાવેલ ઍજન્સીઓ દ્વારા મુસાફરો પાસેથી ઊંચાં ભાડાં વસૂલવામાં આવતાં હોવાની ફરિયાદો સામે આવી રહી છે. અગાઉ જે રૂ. ૬૦૦થી ૭૦૦ પ્રતિ વ્યક્તિ ભાડું હતું, તે વધીને હાલ રૂ. ૨૫૦૦થી રૂ. ૩૦૦૦ સુધી પહોંચી ગયું હોવાનું જાણવા મળે છે. સામાન્ય આવક ધરાવતા શ્રમિકો માટે આટલી મોટી રકમ ખર્ચીને પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરવા વતન જવું મુશ્કેલ બન્યું છે. ત્યારે સંબંધિત તંત્ર દ્વારા ખાનગી બસોના ભાડા અંગે તપાસ કરવામાં આવે અને મુસાફરો પાસેથી મનસ્વી રીતે ઊંચાં વસૂલવામાં આવતા ભાડા સામે તપાસ કરી કાર્યવાહી કરવાની જરૂર છે.
