વલસાડ પોલીસ હેડકવાર્ટરના ચોથા માળેથી પડી જતાં પો.કો.ની પત્નીનું મોત
- byDamanganga Times
- 24 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૩ ઃ વલસાડના અબ્રામા માં આવેલા પોલીસ હેડક્વાર્ટર કેમ્પસમાં નવી બિલ્ડિંગના ચોથા માળે આવેલા ફલેટની ગેલેરીમાં સાફસફાઈ કરતી વખતે ચક્કર આવી જતાં નીચે પટકાયેલા ૨૮ વર્ષીય પરિણીતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. મૃતક વલસાડ પોલીસની ઍલસીબી શાખામાં ફરજ બજાવતા પોલીસકર્મીના પત્ની હતા.
વલસાડ ઍલસીબી શાખામાં ફરજ બજાવતા ભાવિકભાઈ પરભુભાઈ કોળી પટેલના પત્ની તન્વીબેન (ઉં.વ. ૨૮) પોતાના પરિવાર સાથે પોલીસ હેડક્વાર્ટર કેમ્પસની નવી બિલ્ડિંગ નં. ૨૨ ના ચોથા માળે ફલેટ નં. ૪૦૩ માં રહેતા હતા. તેઓને ૫ માસની દીકરી ‘નિરવી’ છે. ગઈકાલે તારીખ ૨૨ મીના રોજ સવારે ૧૧ઃ૧૫ કલાકે તન્વીબેન પોતાના ફલેટની ગેલેરીમાં સાફસફાઈ કરી રહ્ના હતા,
તે દરમિયાન તેમને અચાનક ચક્કર આવી જતાં તેઓ સંતુલન ગુમાવી ચોથા માળેથી સીધા નીચે પટકાયા હતા. નીચે પટકાતાં તન્વીબેનને માથા, છાતી તેમજ પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ૧૦૮ ઍમ્બ્યુલન્સ મારફતે તેમને વલસાડની લોટસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
આ સમગ્ર કરુણ બનાવ અંગે મૃતકના ભાઈ દ્વિનેશભાઈ પ્રવિણભાઈ પટેલે વલસાડ સિટી પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે બનાવ સંદર્ભે અકસ્માતે મોત અંગેની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી તેમજ આગળની તપાસ હાથ ધરી છે. માત્ર પાંચ માસની બાળકીઍ માતાની છત્રછાયા ગુમાવતા પોલીસ બેડા સહિત સમગ્ર વિસ્તારમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે.
