Damanganga Times.

Damanganga Times.

October 24, 2026

વાપી મનપાના ૧૧ ગામોમાં સ્ટ્રીટલાઈટો ઝળહળતી થઈ

વાપી મનપાના ૧૧ ગામોમાં સ્ટ્રીટલાઈટો ઝળહળતી થઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૩ ઃવાપી મહાનગરપાલિકામાં નવા સમાવિષ્ટ કરવામાં આવેલા ૧૧ ગામોમાં પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ ગામોના મોટાભાગના વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ માટે ઊભા કરવામાં આવેલા પોલ પર લાઇટ શરૂ કરી દેવામાં આવતાં રાત્રિના સમયે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો, રાહદારીઓ અને સ્થાનિક રહેવાસીઓને મોટી રાહત મળી છે.

પ્રા વિગતો મુજબ, વાપી મહાનગરપાલિકામાં નવા સમાવિષ્ટ કરવામાં આવેલા ૧૧ ગામો પૈકી નામધા, ચંડોર, સલવાવ, ચણોદ, બલીઠા અને કરવડ સહિતના વિસ્તારોમાં લોકોને જરૂરી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ શરૂ થતાં રાત્રિના સમયે રસ્તાઓ પર પ્રકાશની સુવિધા ઉપલબ્ધ બની છે, જેના કારણે સ્થાનિક લોકોને અવરજવરમાં સરળતા રહેશે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગત વિધાનસભા ચૂંટણી તેમજ વાપી મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન નવા સમાવિષ્ટ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ, પાણી, ડ્રેનેજ અને સફાઈ સહિતની આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપવામાં આવી હતી. જેને ધ્યાને લઈ આ કામને મેયર દક્ષાબેન પટેલ, ડે. મેયર મિતેષભાઈ દેસાઈ, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન સતિષભાઈ પટેલ તેમજ લાઈટ ઍન્ડ ફાયર વિભાગના રણજીતભાઈ પટેલ અને કમિશ્નર ઍન.ઍફ. ચૌધરી અને તેમની ટીમ દ્વારા આ નવા સમાવિષ્ટ ગામોના શહેરી વિકાસને વેગ આપવા તેમજ સ્થાનિક રહેવાસીઓને પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોના ભાગરૂપે સ્ટ્રીટ લાઇટ શરૂ થવાથી લોકોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે. આગામી સમયમાં અન્ય પ્રાથમિક સુવિધાઓ પણ વધુ સુદૃઢ બને તેવી સ્થાનિક રહીશોમાં અપેક્ષા છે.