Damanganga Times.

Damanganga Times.

October 23, 2026

મોગરાવાડીના તળાવમાં યુવક ડૂબ્યો

મોગરાવાડીના તળાવમાં યુવક ડૂબ્યો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૨ ઃ વલસાડના મોગરાવાડી વિસ્તારમાં આવેલા મોટા તળાવમાં ૨૨ વર્ષીય યુવકે કોઈ અગમ્ય કારણોસર કૂદીને જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે.  વલસાડના મોગરાવાડી સ્થિત દેવદર્શન સોસાયટીમાં રહેતા અને રેલવેમાં નોકરી કરતા મુકેશભાઈ રમણભાઈ પટેલનો મોટો પુત્ર કૃતિકભાઈ (ઉં.વ. ૨૨) સવારે પાંચેક વાગ્યાના અરસામાં ઘરેથી દુકાને માવો લેવા જવાનું કહીને નીકળ્યો હતો. જોકે, લાંબો સમય થવા છતાં તે પરત ન ફરતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. દરમિયાન, કૃતિકના મિત્ર ધ્રુવ ચૌહાણે આવીને જાણ કરી હતી કે કૃતિકે મોટા તળાવમાં ઝંપલાવ્યું છે.  ઘટનાની જાણ થતાં જ પરિવારજનો તુરંત મોટા તળાવ ખાતે દોડી ગયા હતા. સ્થળ પર લોકોના ટોળા ઍકત્ર થઈ ગયા હતા તેમજ પોલીસ અને ૧૦૮ ઍમ્બ્યુલન્સ પણ પહોંચી ગઈ હતી. તળાવની પાળેથી કૃતિકનું પર્સ મળી આવ્યું હતું. ફાયર વિભાગની ટીમે તળાવમાં શોધખોળ હાથ ધરીને કૃતિકના મૃતદેહને બહાર કાઢ્યો હતો.
ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ મામલે વલસાડ સીટી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. યુવકના અકાળે અવસાનથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.