Damanganga Times.

Damanganga Times.

October 23, 2026

વાપીની ગોકુલ વિહારમાંથી હાઈટેન્શન વીજપોલ અને વાયર હટાવવાની કામગીરી શરૂ

વાપીની ગોકુલ વિહારમાંથી હાઈટેન્શન વીજપોલ અને વાયર હટાવવાની કામગીરી શરૂ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૨ ઃ વાપીની ગોકુલ વિહાર ટાઉનશીપ સોસાયટીમાંથી પસાર થતા ૬૬ કે.વી.ના હાઈટેન્શન વીજતાર અને વીજપોલ હટાવી અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરી આપવાનું વચન રાજ્યના નાણાં અને શહેરી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી તેમજ સ્થાનિક ધારાસભ્ય કનુભાઈ દેસાઈ દ્વારા ગત ચૂંટણીમાં આપવામાં આવ્યું હતું. આ વચનને સાકાર કરવાની દિશામાં આજે જેટકો કંપની દ્વારા હાઈટેન્શન વીજતાર અને વીજ પોલ હટાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેનાથી સોસાયટીના રહીશોમાં કામગીરી શરૂ થતાં ખુશીની લાગણી ફેલાઈ છે.
આજે જેટકો કંપનીના અધિકારીઓ અને ઇજનેરોની ટીમ તેમજ વાપી મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતિષભાઈ પટેલ, તથા ગોકુલવિહાર ટાઉનશીપના અગ્રણીઅો હેમંતભાઈ પટેલ, દેવેન્દ્રભાઈ પટેલ, બીપીનભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં સોસાયટીમાંથી પસાર થતા ૬૬ કે.વી.ના હાઈટેન્શન વીજતાર તથા વીજ પોલ હટાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગોકુલવિહાર ટાઉનશીપના પ્રમુખ દેવેન્દ્રભાઈ પટેલ દ્વારા મીઠાઈ વહેચવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, રહેણાક વિસ્તારની વચ્ચેથી પસાર થતા હાઈટેન્શન વીજતાર અને વીજ પોલને કારણે રહીશોમાં ચિંતા રહેતી હતી. હવે ટાઉનશીપ હાઈટેન્શન વીજતાર અને  વીજપોલથી મુકત બનશે. તેથી આ કામગીરી શરૂ થવા બદલ સંતોષ વ્યક્ત કર્યો છે.
આ કામગીરી માટે અગ્રણી સતીશભાઈ પટેલ, ગોકુલ વિહાર ટાઉનશીપ સોસાયટીના પૂર્વપ્રમુખ હેમંતભાઈ પટેલ, વર્તમાન પ્રમુખ દેવેન્દ્રભાઈ પટેલ તથા સેક્રેટરી બિપીનભાઈ દેસાઈ દ્વારા સતત ફોલોઅપ કરવામાં આવ્યું હતું.