નારગોલ બારીઆ સમાજ મંડળ દ્વારા શારદીય નવરાત્રી ઉજવાઈ
- byDamanganga Times
- 23 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૨૨ ઃ બારીઆ સમાજ મંડળ, નારગોલ દ્વારા નવરાત્રી મહોત્સવના ૫૭ મા વર્ષની ભવ્ય ઉજવણી પરંપરાગત, સંસ્કાર, સેવા અને સામાજિક ઍકતાના સુંદર સમન્વય સાથે કરવામાં આવી હતી. આ પાવન અવસરે સમાજની શિક્ષણ સમિતિ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ પ્રા કરનાર વિદ્યાર્થીઓનું સન્માન તથા સમાજના સેવાભાવી દાતાઓનું વિશેષ સન્માન યોજીને સમાજની ઍક ઉમદા પહેલને સાકાર કરવામાં આવી હતી.
સાતમના પાવન અવસરે ‘શૈક્ષણિક તારલાઓનું સન્માન’ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે તેજસ્વી વિદ્યાર્થીઓને તિલક કરી સ્ટેજ પર આદરપૂર્વક બેસાડી તેમનું ગૌરવ પૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આમંત્રણ ને માન આપી પધારેલા મુખ્ય મહેમાન સુનીતીબેન કારુલકર તથા અતિથિ વિશેષ શિક્ષકમહેશભાઈ પટેલ ના પ્રસંગોપાત ઉદબોધન દ્વારા પથદર્શન કરવામાં આવ્યું હતું.
સ્વ.ગૌરીબેન માધુભાઈ બારીઆની પવિત્ર સ્મૃતિને ચિરંજીવ રાખવાના હેતુથી તેમના પરિવારજનો, ખંડુભાઈ માધુભાઈ બારીઆ તથા તેમના સમસ્ત પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને મેડલ અને સ્મૃતિભેટ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સમાજના દાતાઓના સન્માનનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
સમાજના દાતાઓનું સન્માન કરવા સમાજના (‘રિયલ હીરો’) જેઓ અનુભવો અને સંસ્કારોની મૂડી ધરાવતા વડીલો, માનવ સેવાને વરેલા ડોક્ટરો, અન્નદાતા ખેડૂતો તથા પોતાના પરિવારને સંભાળવા અને જીવનના પડકારો સામે અડીખમ રહી સંઘર્ષ દ્વારા પરિવારને ઉન્નતિના પંથે લઈ જનાર નારીશક્તિનું ઉત્તમ ઉદાહરણ રૂપે ગં.સ્વ. બહેનોના વરદ હસ્તે સમાજના દાતાઓને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે દાનની મહત્તા સાથે સંવેદના, સંઘર્ષ, સંસ્કાર અને માનવતાના મૂલ્યોને પણ ગૌરવપૂર્ણ અભિવ્યક્તિ મળી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને જવાબદારી ધર્મેશભાઈ તથા ચિરાગભાઈ બારીઆ ઍ શિક્ષણ સમિતિના પ્રમુખ જયેશભાઈ ગજાનંદભાઈ બારીઆ ના માર્ગદર્શન અને સમાજ ના પ્રમુખ કિરણભાઈ રમણલાલ બારીઆ અને સાંસ્કૃતિ સમિતિ ના પ્રમુખ રિતેશભાઈ રમણભાઈ બારીઆના આયોજન અને માર્ગદર્શન હેઠળ નિભાવી હતી. સમગ્ર કાર્યક્રમ ગૌરવપૂર્ણ, પ્રેરણાદાયી અને યાદગાર બન્યો હતો.
