ધમડાચી હાઇવેથી દારૂ સાથે સુરતનો ઈસમ ઝડપાયો
- byDamanganga Times
- 22 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૧ ઃ વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ વલસાડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરતી હતી તે દરમિયાન બાતમી મળી કે દમણથી સુરત તરફ જતી ઍ કારમાં દારૂ ભરી લઈ જવાતો હોવાનું જાણતા વલસાડ ઍલસીબીની ટીમ વલસાડ નજીકના ધમડાચી હાઇવે પર વોચ ગોઠવી ઊભા રહેતા બાતમી વાળી ઇનોવા કાર નં. જીજે ૧૫ સીડી ૬૧૮૩ને અટકાવી તેની અંદર તપાસ કરતા દારૂની બાટલી નંગ ૫૭૬ કિંમત રૂપિયા ૧,૮૧,૮૨૪ તેમજ કારની કિંમત ૭ લાખ મળી કુલ ૮,૮૧,૮૨૪ રૂપિયાના મુદ્દા માલ સાથે આરોપી રોનીક વિજયભાઈ કહાર (ઉં.વ. ૨૮, રહે.ઍ-૧૦૫, યશ ઍપાર્ટમેન્ટ, મકાઈ પુલ, નાનપુરા, સુરત શહેરની ધરપકડ કરી છે. જ્યારે દારૂનો જથ્થો તેમજ કાર આપનાર નરેન્દ્રભાઈ ઉર્ફે અપ્પુ માછી જયંતિલાલ કહાર (રહે. રૂદ્રપુરા, સુરત શહેરને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.
આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા આરોપી રોનીક કહાર સામે અગાઉ ઉમરા, પાલ અને અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અને પાસા સહિતના ૪ જેટલા ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે વોન્ટેડ આરોપી નરેન્દ્ર ઉર્ફે અપ્પુ કહાર સામે અઠવાલાઈન્સ, ડુમસ, સચિન જીઆઈડીસી અને ઉધના પોલીસ મથકે દારૂ ના કુલ ૧૨ જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. આગળની કાયદેસરની તપાસ વલસાડ રૂરલ પોલીસને સોંપવામાં આવી છે.
