Damanganga Times.

Damanganga Times.

October 22, 2026

ધરમપુરમાં રૂ. ૬૬.૬૭ કરોડનાં રસ્તા અને બ્રિજનાં કામોનું ખાતમુહૂર્ત કરાયું

ધરમપુરમાં રૂ. ૬૬.૬૭ કરોડનાં રસ્તા અને બ્રિજનાં કામોનું ખાતમુહૂર્ત કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૨૧ ઃ ધરમપુર તાલુકા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસા દરમિયાન માર્ગો અને નદી-નાળાંને કારણે ઊભી થતી અવરજવરની સમસ્યાઓ દૂર કરવા માટે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૫નાં વિવિધ વિકાસકાર્યોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંદાજે રૂ. ૬૬.૬૭ કરોડના ખર્ચે વિવિધ ગામોમાં મેજર બ્રિજ, માઇનોર બ્રિજ અને પાકા રસ્તાઓનું નિર્માણ કરવામાં આવશે. આ અંતર્ગત ધરમપુરના કૈલાશધામ પાસેથી ઓઝરપાડા તરફ જતા માર્ગ પર રૂ.૩.૫૭ કરોડના ખર્ચે માઇનોર બ્રિજ, સીદુંબરના ભટાડી ફળિયા રોડ પર માન નદી ઉપર રૂ.૧૨.૫૦ કરોડના ખર્ચે મેજર બ્રિજ, ચિચોઝર ખાતે રૂ. ૮.૨૦ કરોડના ખર્ચે મેજર બ્રિજ, કેળવણી વિસ્તારમાં રૂ.૮.૨૦ કરોડના ખર્ચે મેજર બ્રિજ તેમજ માકડબન વિસ્તારમાં રૂ.૪ કરોડના ખર્ચે મેજર બ્રિજના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બારોલિયા, કાકડકુવા, તીસકરી, તલાટ, કુરગામ, શેરીમાળ, બરૂમાળ, સીદુંબર, ઉગતા, પાનવા, ચિચોઝર, કેળવણી, ભેંસધરા, માકડબન, આસુરા, બામટી, નાની ઢોલડુંગરી, વીરવલ અને મોટી ઢોલડુંગરી સહિતના વિસ્તારોમાં વિવિધ મેજર બ્રિજ, માઇનોર બ્રિજ તેમજ પાકા રસ્તાઓનાં કામો હાથ ધરવામાં આવશે. આ તમામ વિકાસકાર્યો માટે અંદાજે રૂ. ૬૬.૬૭ કરોડનો ખર્ચ કરવામાં આવનાર છે.
 ધરમપુરના કૈલાશધામ પાસેથી ઓઝરપાડા તરફ જતા માર્ગ પર બનનારા બ્રિજ અંગે ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં લાંબા સમયથી ચોમાસા દરમિયાન અવરજવરની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ભારે વરસાદને કારણે રહેણાકનાં ઘરોમાં પાણી ઘૂસી જવાની સમસ્યા પણ ઊભી થતી હતી. આ બ્રિજનું નિર્માણ થવાથી સ્થાનિક લોકોની મુશ્કેલીઓ હળવી થશે. સાથે જ કોસમકુવા અને તીસકરી સહિતના વિસ્તારોને જોડતા સતત અવરજવરવાળા માર્ગ પરથી પસાર થતા લોકોને પણ સુવિધા મળશે.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ આદિજાતિ વિભાગના મંત્રી મહેન્દ્રભાઈ ચૌધરી, જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિનાં ચેરમેન ઉર્મિલાબેન બિરારી, તાલુકા સંગઠનના પ્રમુખ કેતનભાઈ વાઢુ, ધરમપુર તાલુકા સંગઠનના મહામંત્રી હિતેન્દ્રભાઈ પટેલ, ભાજપના અગ્રણી ગણેશભાઈ બિરારી, વલસાડ જિલ્લા આદિજાતિ મોરચાના પ્રમુખ ધનેશભાઈ ચૌધરી, તાલુકા પંચાયતનાં પ્રમુખ શકુંતલાબેન ચૌધરી, ધરમપુર નગરપાલિકાના પ્રમુખ મયંક મોદી, બાંધકામ સમિતિના ચેરમેન સમીપ રાંચ, ધરમપુર તાલુકા યુવા મોરચા સંગઠનના પ્રમુખ સૌરભભાઈ માહલા, આર. ઍન્ડ બી. વિભાગના ડી.ઈ. ઍમ. ઍમ. પટેલ, ઍ. સો. નીતિનભાઈ, વિપુલભાઈ,  કર્મચારીઓ સહિત વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્ના હતાં.