Damanganga Times.

Damanganga Times.

October 22, 2026

વાપીમાં હંગામી ફટાકડા બજાર ઊભું કરવાની તૈયારીઓ શરૂ

વાપીમાં હંગામી ફટાકડા બજાર ઊભું કરવાની તૈયારીઓ શરૂ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૧ ઃ સમગ્ર રાજ્યમાં અને વલસાડ જિલ્લામાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને હંગામી ફટાકડાનું વેચાણ માટે પરમિશન આપવામાં આવે છે જે અંતર્ગત વાપી મહાનગરપાલિકાની બાજુમાં આવેલા કુમાર શાળાના મેદાનમાં તેમજ વાપી જીઆઇડીસીના અંબે માતા મંદિરની બાજુમાં આવેલા રામલીલા મેદાનમાં હંગામી ફટાકડા બજાર શરૂ કરવાની પરમિશન દર વર્ષે આપવામાં આવે છે જે અંતર્ગત હાલમાં ફટાકડા બજાર બનાવવા માટેની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા જાહેર કરવામાં આવેલા જાહેરનામા અને નિયમો અનુસાર, દિવાળી નિમિત્તે આ કુમારશાળાના મેદાનમાં ૨૩ અને વાપી જીઆઇડીસીના રામલીલા મેદાનમાં ૬૦ મળી કુલ ૮૩ જેટલી દુકાનોનું હંગામી ફટાકડા બજાર ઊભું કરવા માટે  સરકારી  નિયમો અને ગાઈડલાઈન મુજબ મંજૂરી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
 આ ફટાકડાનાબજારમાં હંગામી પરવાનગી મેળવનારા વેપારી પોતાની દુકાન બનાવી ફટાકડાનું વેચાણ કરી શકશે. જ્યારે કાયમી ફટાકડા વેચાણનું લાયસન્સ ધરાવનાર વેપારીઓ પોતાની પરમિશન નક્કી કરેલ દુકાનમાં ફટાકડાનું વેચાણ કરશે. જ્યારે બીજી તરફ વાપીના મુખ્ય બજાર, ચલા, ડુંગરા જીઆઇડીસીના ગુંજન  સહિતના વિવિધ વિસ્તારોમાં પરવાનગી વિના રહેણાક વિસ્તારોમાં ફટાકડાનું વેચાણ થતું હોવાની ચર્ચા છે. રહેણાંક વિસ્તારોમાં સુરક્ષાનાં પૂરતાં પગલાં વિના ફટાકડાનું વેચાણ કરવામાં આવે તો આગ જેવી ગંભીર દુર્ઘટના સર્જાવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
જોકે, હંગામી ફટાકડા બજારમાં આ નિયમોનું કેટલા અંશે પાલન કરવામાં આવશે અને રહેણાંક વિસ્તારોમાં પરવાનગી વિના ફટાકડાનું વેચાણ કરતા વેપારીઓ સામે તંત્ર દ્વારા કેવા પગલાં લેવામાં આવશે, તેવા પ્રશ્નો હાલ ચર્ચાઈ રહ્ના છે.