વાપીમાં સરદાર ચોકથી નેહરુ સ્ટ્રીટના રોડનું કામ શરુ
- byDamanganga Times
- 22 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૧ ઃ વાપી શહેરના મુખ્ય બજાર વિસ્તારને જોડતા માર્ગોને વધુ સુવિધાજનક બનાવવા માટે વાપી મહાનગરપાલિકા દ્વારા માર્ગોના નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે સરદાર ચોકથી નેહરુ સ્ટ્રીટ સુધીના માર્ગને ખોદીને નવો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સાથે રસ્તાની બંને બાજુ વરસાદી પાણી અને ડ્રેનેજના પાણીના નિકાલ માટે આર.સી.સી. ગટર બનાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે.
વાપીના મુખ્ય બજાર વિસ્તારમાં સરદાર ચોકથી ઝંડા ચોક, સરદાર ચોકથી નેહરુ સ્ટ્રીટ તેમજ બાલમંદિરથી દેસાઈવાડ હનુમાન મંદિર સુધીના માર્ગો પર દિવસ-રાત વાહનોની ભારે અવરજવર રહે છે. આ માર્ગો વેપારી પ્રવૃત્તિઓની દૃષ્ટિઍ પણ મહત્ત્વપૂર્ણ હોવાથી અહીં સતત વાહનવ્યવહાર ચાલુ રહે છે. પરિણામે માર્ગની સુવિધા જાળવવી અને ટ્રાફિકની સમસ્યા હળવી કરવી જરૂરી બની છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાપી મહાનગરપાલિકા ના મેયર દક્ષાબેન પટેલ ડેપ્યુટી મેયર મિતેશભાઇ દેસાઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતિષભાઈ પટેલ અને બાંધકામ વિભાગના ચેરમેન તથા મનપાના જવાબદાર અધિકારી દ્વારા રસ્તાનું નવીનીકરણ અને રસ્તાની વચ્ચે ડિવાઇડર તેમજ ટ્રીટ લાઈટ લગાવવાની મંજૂરી મેળવી કામગીરી શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત હાલમાં નહેરુ સ્ટ્રીટ માર્ગ પહોળો કરવા, રસ્તાની બંને બાજુ આવેલા દબાણો દૂર કરવા તેમજ જૂના માર્ગને ખોદીને નવેસરથી બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અગાઉ ચોમાસા પહેલાં સરદાર ચોકથી ઝંડા ચોક સુધીનો માર્ગ નવો બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. આ માર્ગ પર ગટર લાઇનનું કામ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે.
હવે સરદાર ચોકથી નેહરુ સ્ટ્રીટ સુધીના માર્ગને નવો બનાવવાની કામગીરી શરૂ થતાં સ્થાનિક વેપારીઓ અને વાહનચાલકોમાં આગામી દિવસોમાં વધુ સારી માર્ગ સુવિધા મળવાની આશા જાગી છે. માર્ગની બંને બાજુ વરસાદી પાણીના નિકાલ માટે આર.સી.સી. ગટર બનાવવામાં આવતાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા પણ હળવી થવાની શક્યતા છે.
