ડુંગરીની સગીરાને ફસાવી ૨૦ તોલા સોનુ અને રોકડ પડાવનાર સામે પોકસો
- byDamanganga Times
- 21 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૦ ઃ વલસાડના વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષીય સગીરાને પ્રેમસંબંધની જાળમાં ફસાવી, તેના ઘરમાંથી આશરે ૨૦૦ ગ્રામ સોનાના દાગીના તેમજ રોકડ રકમ પડાવી લઈ છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે ડુંગરી પોલીસે શંકર તળાવ ગામના ૨૩ વર્ષીય યુવક સામે પોક્સો સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક વિગતો મુજબ વલસાડ તાલુકાના ડુંગરી વિસ્તારના ઍક ગામમાં રહેતી સગીરા સાથે શંકર તળાવ ગામના ૨૩ વર્ષીય યુવકે પ્રેમસંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ યુવકે વિશ્વાસમાં લઈને સગીરાના ઘરમાં રાખેલા આશરે ૨૦૦ ગ્રામ સોનાના કિંમતી ઘરેણાં અને રોકડા રૂપિયા કઢાવી લીધા હતા.
સમગ્ર મામલો પરિવારના ધ્યાને આવતાં પરિવારે તાત્કાલિક ડુંગરી પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે સગીરાની ફરિયાદના આધારે આરોપી યુવક વિરુદ્ધ છેતરપિંડી અને પોક્સો ઍક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.આરોપી યુવાન અચાનક નવી બુલેટ મોટરસાયકલ અને મોંઘાદાટ મોબાઈલ ફોન વાપરતો થયો હતો અને પોતાના મોજશોખ પૂરા કરવા પાછળ મોટા પાયે ખર્ચ કરતો હતો. ઍક સગીરાને નિશાન બનાવી લાખો રૂપિયાના દાગીના પડાવી લેવાની ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ મામલે સોનાના દાગીના રિકવર કરવા સહિતની આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
