Damanganga Times.

Damanganga Times.

October 21, 2026

તલોધમાં બાવન ફૂટનું રાવણદહન

તલોધમાં બાવન ફૂટનું રાવણદહન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા. ૨૦ ઃ અસત્ય પર સત્ય અને અધર્મ પર ધર્મના વિજયના પ્રતીકસમા વિજયાદશમી પર્વની બીલીમોરા સહિત સમગ્ર ગણદેવી તાલુકામાં ભારે ધર્મોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. બીલીમોરા નજીક આવેલા તલોધ ગામે શ્રી બ્રાહ્મણી માતા મંદિર પરિસરમાં છેલ્લા ૯૦ વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ ૫૨ ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. તલોધ ખાતે સાંજના સમયે ભગવાન શ્રી રામ, માતા સીતા, લક્ષ્મણજી અને મહાબલી હનુમાનજીના સ્વરૂપ ધારણ કરેલા કલાકારો સાથે ઍક ભવ્ય અને રંગારંગ શોભાયાત્રા નીકળી હતી. ત્યારબાદ મેદાનમાં શ્રી રામ અને લંકાપતિ રાવણ વચ્ચેનું દિલધડક પ્રતીકાત્મક યુદ્ધ યોજાયું હતું. યુદ્ધના અંતે શ્રી રામના બાણથી ૫૨ ફૂટ ઊંચો રાવણ ધડામ દઈને અગ્નિની જવાળાઓમાં લપેટાઈ ગયો હતો.  
ગણદેવી તાલુકાના તલોધ ઉપરાંત બીલીમોરા શહેર, ગણદેવી નગર તેમજ અમલસાડ સહિત કુલ ૭ જેટલા મુખ્ય સ્થળોઍ ઉત્સાહભેર રાવણ દહનના કાર્યક્રમો યોજાયા હતા.  દશેરા પર્વે પરંપરાગત રીતે ફાફડા-જલેબી આરોગવાનો વિશેષ મહિમા હોવાથી વહેલી સવારથી જ ફરસાણના વેપારીઓને ત્યાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. મીઠાઈ-ફરસાણના વિક્રેતાઓ દ્વારા કરાયેલી આગોતરી વ્યવસ્થા વચ્ચે પંથકના લોકોઍ મન મૂકીને સ્વાદિષ્ટ ફાફડા-જલેબીની જયાફત માણી ઉત્સવની ઉજવણી કરી હતી.