Damanganga Times.

Damanganga Times.

October 21, 2026

વલસાડના ઈસમે રૂ. ૧૦ લાખના બદલે રૂ. ૧ કરોડની લાલચે ખેડૂતને નવડાવ્યો

વલસાડના ઈસમે રૂ. ૧૦ લાખના બદલે રૂ. ૧ કરોડની લાલચે ખેડૂતને નવડાવ્યો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૦ ઃ  નાશિક પ્રિન્ટિંગ પ્રેસમાંથી સેટિંગ કરી બહાર કઢાયેલી અસલ ચલણી નોટો રૂ. ૧૦ લાખના બદલામાં રૂ. ૧ કરોડ આપવાની લાલચ આપી સાબરકાંઠાના વડાલી તાલુકાના ઍક ખેડૂત સાથે લાખો રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી હોવાનો કિસ્સો વલસાડમાં પ્રકાશમાં આવ્યો છે. ભેજાબાજોઍ પ્લાનિંગ મુજબ નકલી પોલીસની રેડ કરાવી ફરિયાદીને રસ્તામાં ઉતારી દઈ રોકડા રૂ. ૧૦ લાખ અને સિક્યુરિટી પેટે લીધેલો રૂ. ૧૩ લાખનો ચેક પડાવી લીધો હતો.
સાબરકાંઠા જિલ્લાના મોકમપુર વડાલીગામના રહીશ પ્રવિણભાઈ છોટાલાલ બ્રહ્મભટ્ટે નોંધાવેલી ફરિયાદ અનુસાર, આણંદના કરમસદમાં  રહેતા દિલીપભાઈ ઉર્ફે મનોજભાઈ પીતારામ જોષીઍ તેમની સાથે સંપર્ક કેળવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના નાશિક સ્થિત કરન્સી પ્રિન્ટિંગ પ્રેસમાંથી ચોરી-છૂપીથી રૂ. ૫૦૦ના દરની નોટો બહાર કઢાવેલ છે અને જો તેઓ રૂ. ૧૦ લાખ રોકડા આપશે તો સામે રૂ. ૧ કરોડની નવી ચલણી નોટો મળશે. આ લાલચમાં આપીને ખેડૂતે ઈડરથી આંગડિયા મારફતે વલસાડ રૂ. ૧૦ લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા અને પોતે સાથીદાર સાથે વલસાડ પહોંચ્યા હતા. તા.૦૫/૦૮/૨૦૨૬ના રોજ વલસાડ મદનવાડમાં રહેતા  દિલીપ જોષી સ્વિફટ કાર લઈને આવ્યો હતો.
ફરિયાદીને કારમાં બેસાડી આગળ જતાં જયંતિભાઈ પટેલ નામના શખ્સ પાસેથી ૫૦૦ના દરના બંડલો ભરેલો થેલો રૂ. ૧ કરોડ કારની ડિક્કીમાં મુકાવ્યો હતો. તેના બદલામાં ખેડૂત પાસેથી રોકડા રૂપિયા ૧૦ લાખ તેમજ પોલીસને જાણ ન કરવા માટે સિક્યુરિટી પેટે રૂ. ૧૩ લાખની રકમ ભરેલો સહીવાળો ચેક પડાવી લીધો હતો.
ત્યારબાદ સુરત હાઇવે નેશનલ હાઇવે નં. ૪૮ પર ડુંગરી નજીક કાર પહોંચતા જ પૂર્વ આયોજિત કાવતરા મુજબ ખાખી યુનિફોર્મ પહેરેલો ઍક નકલી પોલીસ અને તેની સાથેના અન્ય બે શખ્સોઍ કાર રોકી હતી.
ચેકિંગના બહાને ડિક્કીમાંથી નોટો ભરેલો થેલો ઝડપી પાડી, ‘પોલીસ સ્ટેશન જવું પડશે’ તેમ કહી ખેડૂતને રસ્તા પર ઉતારી દીધા હતા અને આરોપીઓ કાર તેમજ નાણાં લઈને ફરાર થઈ ગયા હતા.બાદમાં આ સમગ્ર મામલે ભાંડો ફૂટતાં અને આરોપીઓ પર દબાણ લાવતાં દિલીપ જોષીઍ ટુકડે-ટુકડે રૂપિયા ૫,૫૦,૦૦૦ પરત કર્યા હતા, પરંતુ બાકીના રૂ. ૪,૪૦,૦૦૦ આજદિન સુધી પરત આપ્યા નહોતા. આખરે ભોગ બનનાર પ્રવિણભાઈઍ દિલીપ જોષી, જયંતિ પટેલ, વેલજીભાઈ તથા ખાખી વર્દી પહેરીને આવેલા અજાણ્યા શખ્સો વિરુદ્ધ છેતરપિંડી અને ગુનાહિત ષડયંત્ર રચવા અંગે વલસાડ પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.