સેગવામાં વૃક્ષોની હરાજીમાં ગેરરીતીનો આક્ષેપ
- byDamanganga Times
- 20 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૯ ઃ વલસાડ તાલુકાના સેગવા ગ્રામ પંચાયતના સરપંચ સામે સરકારી પડતર જમીનમાં આવેલા વૃક્ષોની હરાજીમાં પોતાના પદનો દુરુપયોગ કરી ઍજન્સીને આર્થિક ફાયદો કરાવ્યો હોવાનો ગંભીર આક્ષેપ ઉઠતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ મામલે ગામના જાગૃત નાગરિક દ્વારા સરપંચ સામે ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ કાયદેસરનાં પગલાં ભરી તાત્કાલિક હોદ્દા પરથી દૂર કરવા વલસાડ તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટર સમક્ષ લેખિતમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી કે વલસાડ ના સેગવાગામે આવેલી જુના બ્લોક નંબર ૧૧૧ પૈકી ૧ તથા નવા બ્લોક નંબર ૩૩૨ વાળી આશરે ૧૬ વીંઘા સરકારી પડતર જમીન અટગામ-સેગવા ગ્રામ પંચાયતના નામે ચાલી આવે છે. આ જમીન પર સામાજિક વનીકરણ વિભાગ વલસાડ દ્વારા વર્ષ ૨૦૧૧-૧૨ દરમિયાન ગ્રામ વન વાવેતર યોજના અંતર્ગત વાવેતર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ ઉભા વૃક્ષોની જાળવણી અને કટિંગ માટે ઓક્શન પદ્ધતિથી હરાજી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં જંગલી બાવળ, નીલગીરી, લીમડો, શરૂ સહિતના વૃક્ષો કાપવાનો કોન્ટ્રાક્ટ સેગવા ગામના સળગ ફળિયામાં રહેતા માજી સરપંચ સુલેમાન ઇસ્માઇલ શેખની ‘આરના ટ્રેડિંગ કંપની’ને મળ્યો હતો. જેમાં પ્રથમ તબક્કે ૩૨૫ નંગ વૃક્ષોની કિંમત રૂપિયા ૧૭,૧૭,૮૦૨ અને બીજા તબક્કે ૨૪૬ નંગ વૃક્ષો માટે રૂપિયા ૧૪,૧૪,૮૦૨ બોલી લગાવવામાં આવી હતી. જોકે, વાસ્તવમાં વૃક્ષોની સંખ્યા અને તેનું બજારમૂલ્ય ઘણું વધારે હોવા છતાં, સેગવા ગ્રામ પંચાયતના સરપંચ મિતેશકુમાર નટવરસિંહ ઠાકોરે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ઍજન્સીને મોટો લાભ પહોંચાડ્યો હોવાનો આક્ષેપ ગામના જાગૃત નાગરિક કૈલાશ ભાઈ છગનલાલ ગોહિલે કર્યો છે. આ મામલે રજૂઆતકર્તાઍ જણાવ્યું છે કે, સરપંચ દ્વારા પંચાયત ધારાની જોગવાઈઓનો ભંગ કરી ગેરલાયકાત વહોરી લેવાઈ છે. જેથી ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની કલમ-૩૨(૧)(ખ) અને કલમ-૩૦(૧) હેઠળ સભ્ય/સરપંચ તરીકે ચાલુ રહેવા માટે અસમર્થ ઠેરવી તાત્કાલિક અસરથી તેમના હોદ્દા પરથી દૂર કરી શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
