Damanganga Times.

Damanganga Times.

October 20, 2026

વાપીમાં પાણીના બહાને ગોડાઉનમાંથી ૬૪ હજારના કોપર વાયરની ચોરી

વાપીમાં પાણીના બહાને ગોડાઉનમાંથી ૬૪ હજારના કોપર વાયરની ચોરી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધ)

વાપી, તા. ૧૯ ઃ વાપીના કરવડ વિસ્તારમાં ચોરીની અનોખી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. જેમાં પાણી પીવાના બહાને મહિલા કોપર વાયર ચોરી ગઈ હતી. ફરિયાદી વિવેક યોગેન્દ્ર તિવારી ઉ.૩૨, મૂળ ઉત્તર પ્રદેશ, હાલ ચણોદ ખાતે રહે છે અને કરવડ તુલસી હોટલની સામે પરમ લોજીસ્ટીક હબ, ગાળા નં.૯, પી ઍમ પી સપ્લાય ચેઈન ઍલ ઍલ પી ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં મેનેજર તરીકે નોકરી કરે છે.

ગઈ તા. ૦૪/૧૦/૨૦૨૬ ના રોજ સવારે સાડા આઠ વાગ્યે તેઓ ગોડાઉન પર હાજર હતા. તે દિવસે તેમની સાથે ઍક કર્મચારી અવતારસીંગ અને પાંચ લેબર હાજર હતા. સવારે ૧૦ વાગ્યાના અરસામાં ૬ અજાણી સ્ત્રીઓ ૩ નાના બાળકો સાથે ગોડાઉનમાં પાણી પીવાના બહાને આવી હતી. ફરિયાદીઍ પાણી પીવા દીધું પણ મહિલાઓ બીજી બીજી વાતો કરવા લાગતા તેઓઍ બહાર નીકળવા કહેતા જતી રહી હતી.

બે દિવસ બાદ તા. ૦૬/૧૦/૨૦૨૬ ના રોજ રાજકોટ હેડ ઓફિસથી જાણ થઈ કે  ઍપલ ઈન્ડસ્ટ્રીયલ વાયર કંપનીના કોપર વાયરના ૨૪ બોક્સમાંથી ૨૨ બોક્સ જ મળ્યા છે. બધા ગોડાઉનોમાં તપાસ કરવા છતા ૨ બોક્સ ન મળ્યા.

આથી તા. ૦૩/૧૦/૨૦૨૬ થી સીસીટીવી ફૂટેજ તપાસતા તા. ૧૮/૧૦/૨૦૨૬ ના રોજ ખુલાસો થયો કે પાણી પીવા આવેલી મહિલાઓ પૈકી બે મહિલાઓ ૪૨ કિલો વજનના ૨ બોક્સ કિં. રૂ. ૬૪,૮૯૯ ની ચોરી કરી લઈ ગઈ હતી. ડુંગરા પોલીસે અજાણી મહિલાઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.