પારનેરા ડુંગર પર નવરાત્રીના છેલ્લા દિવસે દર્શનાર્થીઅો ઉમટયા
- byDamanganga Times
- 20 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૯ ઃ નવલી નવરાત્રિના પાવન પર્વના અંતિમ ઍટલે કે નવમા નોરતે વલસાડ પંથકમાં ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. શહેરના પૌરાણિક શ્રી અંબામાતા મંદિર તેમજ ઐતિહાસિક અને આસ્થાના કેન્દ્ર સમાન પાશનેરા ડુંગર પર બિરાજમાન શ્રી ચંદિકા, નવદુર્ગા, અંબિકા અને મહાકાળી માતાજીના મંદિરે દર્શનાર્થે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડી દર્શન કર્યા હતા.
મોડી રાતથી જ પારનેરા ડુંગર પર માતાજીના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓની લાંબી કતારો લાગી ગઈ હતી. પગથિયાં ચડીને ડુંગર પર જતા ભક્તોના ‘જય માતાજી’ અને ‘બોલ મારી અંબે, જય જય અંબે’ના નારાથી સમગ્ર પર્વતમાળા ગુંજી ઊઠી હતી. વહેલી સવાર થતાં સુધીમાં ભક્તોની સંખ્યામાં સતત વધારો નોંધાયો હતો અને વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બની ગયું હતું.દૂર-દૂરથી દર્શનાર્થે પહોંચેલા ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો અને સંચાલકો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ડુંગર ચડતા ભક્તો માટે ઠેર-ઠેર શુદ્ધ પીવાના પાણી, પૂરતી લાઈટ, શૌચાલય તેમજ કોઈ અનિચ્છનીય ઘટના કે આરોગ્યની સમસ્યા સામે તાત્કાલિક સારવાર મળી રહે તે માટે મેડિકલ ટીમ સહિતની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ હતી.
વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો તથા ઉત્સાહી સ્વયંસેવકો રાતભર ખડેપગે સેવા આપતા નજરે પડ્યા હતા. શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલમાં હજારો માઇભક્તોઍ શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.
