નાનાપોંઢામાં શિક્ષણ વ્યવસ્થાને લઈને સવાલો
- byDamanganga Times
- 19 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
નાનાપોîઢા, તા. ૧૮ ઃ નાનાપોંઢા તાલુકાને અલગ તાલુકા તરીકેનું અસ્તિત્વ મળ્યા બાદ તાલુકા મથક નાનાપોંઢા ખાતે વિવિધ સરકારી કચેરીઓ કાર્યરત થઈ ગઈ છે. જોકે, શિક્ષણ વિભાગની શિક્ષણ શાખા હજી સુધી કાર્યરત ન થતાં શિક્ષક આલમમાં અનેક સવાલો ઊભા થયા છે. તાલુકાની રચનાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં શિક્ષણ શાખાની શરૂઆત ન થવી ઍ શિક્ષણ વિભાગની વહીવટી વ્યવસ્થાને લઈને ચર્ચાનો વિષય બન્યો છે.
નાનાપોંઢા તાલુકાની રચના બાદ તેમાં પારડી તાલુકાનાં કેટલાંક ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કપરાડા તાલુકામાંથી અલગ પડેલાં ગામોની શાળાઓ પણ નવા તાલુકાની વહીવટી વ્યવસ્થામાં આવી છે. પરિણામે આ ગામોમાં ફરજ બજાવતા શિક્ષકો માટે વહીવટી કામગીરી, માર્ગદર્શન અને વિવિધ શૈક્ષણિક પ્રક્રિયાઓને લઈને અવઢવની સ્થિતિ ઊભી થઈ રહી છે.
તાલુકાની પુનઃરચનાનો મુખ્ય હેતુ સ્થાનિક કક્ષાઍ વહીવટી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો અને નાગરિકો તથા કર્મચારીઓને સરળતાથી સેવાઓ પૂરી પાડવાનો છે. પરંતુ નાનાપોંઢા તાલુકામાં શિક્ષણ શાખા કાર્યરત ન હોવાથી શિક્ષકોને જરૂરી કામગીરી માટે કઈ કચેરીનો સંપર્ક કરવો, વહીવટી માર્ગદર્શન ક્યાંથી મેળવવું અને વિવિધ પ્રશ્નોનો નિકાલ કેવી રીતે કરાવવો તે અંગે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોવાની સ્થિતિ સામે આવી રહી છે.
ખાસ કરીને અગાઉ પારડી અને કપરાડા તાલુકા સાથે સંકળાયેલી શાળાઓના શિક્ષકો માટે નવી વહીવટી વ્યવસ્થામાં સ્પષ્ટતા અને સુચારુ સંકલન જરૂરી બન્યું છે. શિક્ષણ ક્ષેત્રની કામગીરીમાં સમયસર નિર્ણય, કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ, શાળાઓને માર્ગદર્શન અને શૈક્ષણિક યોજનાઓના અમલીકરણ માટે તાલુકા કક્ષાઍ સક્ષમ શિક્ષણ શાખા હોવી અત્યંત આવશ્યક છે. તાલુકાને અલગ અસ્તિત્વ મળ્યા બાદ પણ શિક્ષણ શાખા કેમ શરૂ થઈ નથી? આ પ્રશ્ન શિક્ષણ જગતમાં ચર્ચાઈ રહ્ના છે.
જ્યારે અન્ય વિભાગોની કચેરીઓ તાલુકા મથકે કાર્યરત થઈ ગઈ છે, ત્યારે શિક્ષણ વિભાગની કચેરી શરૂ કરવામાં વિલંબ થવાનું કારણ શું છે તે અંગે પણ શિક્ષકોમાં જિજ્ઞાસા જોવા મળી રહી છે.
આ પરિસ્થિતિમાં સંબંધિત શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય પગલાં લેવામાં આવે, નાનાપોંઢા તાલુકાની શિક્ષણ શાખા કાર્યરત કરવામાં આવે અને સમાવિષ્ટ ગામોની શાળાઓના શિક્ષકોને સ્પષ્ટ વહીવટી માર્ગદર્શન મળે તેવી શિક્ષણ જગતની અપેક્ષા છે.
હવે જોવાનું ઍ રહેશે કે સંબંધિત તંત્ર આ પ્રશ્નને કેટલી ગંભીરતાથી લઈને શિક્ષકોની અવઢવ દૂર કરે છે અને નાનાપોંઢા તાલુકામાં શિક્ષણ વિભાગની કામગીરીને સુવ્યવસ્થિત બનાવવા માટે ક્યારે નક્કર નિર્ણય લે છે.
