ટ્રેન અડફેટે મૃત્યુ પામનાર બલીઠાના દેરાણી-જેઠાણીની ઍક સાથે અંતિમયાત્રા નીકળી
- byDamanganga Times
- 19 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૮ ઃ વાપી નજીક બલીઠા જકાતનાકા પાસે ગઈકાલે હૃદય કંપાવનારી દુર્ઘટના સર્જાઈ હતી. રેલવે ટ્રેક ઓળંગતી વખતે માલગાડીની અડફેટે આવી જતાં ઍક જ પરિવારની બે દેરાણી-જેઠાણીના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા.
મળતી માહિતી મુજબ, બલીઠા ડુંગરી ફળિયા વિસ્તારમાં રહેતા સગા ભાઈઓ નિલેશ અને નીતિન પટેલની પત્નીઓ ભાવના નીતિન પટેલ અને નેહા નિલેશ પટેલ વાપીના ચલા સ્થિત સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં મધ્યાહ્ન ભોજન બનાવવાનું કામ કરતી હતી. બપોરે શાળા છૂટ્યા બાદ બંને ઘરે પરત ફરી રહી હતી ત્યારે જકાતનાકા પાસે ટ્રેક ક્રોસ કરતા અકસ્માત સર્જાયો હતો.
ઘટનાની જાણ થતા રેલવે પોલીસે બંને મૃતદેહોને ચલા સરકારી હોસ્પિટલમાં પીઍમ અર્થે ખસેડ્યા હતા. ઍક જ ઘરમાંથી બે અર્થીઓ નીકળતા અને માસૂમ બાળકોઍ માતાની છત્રછાયા ગુમાવતા સમગ્ર બલીઠા વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.
