મગોદ ડુંગરીમા આજે મત્સ્ય માતાજીનો મેળો
- byDamanganga Times
- 19 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૮ ઃ વલસાડ તાલુકાના મુખ્ય મથક વલસાડથી માત્ર બાર કિલોમીટરના અંતરે કાંઠાળ પંથકના સમુદ્ર તટે મગોદ ડુંગરી ગામ વસેલું છે.ગામની પાદરે ટેકરી ઉપર મત્સ્ય માતાજીનું મંદિર આવેલું છે.જ્યા રમ્ય અને શાંત પ્રકૃતિનું વાતાવરણ હોય છે.ગામના શ્રદ્ધાળુ ભાવિક ભક્તોના હ્નદયકમલે આસ્થાનું પ્રતિક બનેલા અતિ પૌરાણિક અને લોકવાયકા સાથે સંકળાયેલા સમગ્ર ધાર્મિક મંદિરોથી અલગ તરી આવે છે.સમગ્ર કાંઠા વિસ્તારમા આ પ્રકારનું ઍક જ મંદિર છે.આ મત્સ્ય માતાજીનું મંદિર ઍક વિશેષ આર્કષણનું કેન્દ્ર છે. મંદિરનારું ગર્ભસ્થાનમા શ્રદ્ધા અને આસ્થાની દેવી મત્સ્ય માતાજી બિરાજમાન છે. કહેવાય છે આ મંદિરનું ઘણું સત છે અને સાગરખેડૂ માછીમારોને ઍમાં ભારે શ્રદ્ધા છે. આખા વરસ દરમ્યાન માછીમારી કરવા માટે વહાણ સાથે દરિયો ખેડવાનો હોય ઍ દરિયાઈ દોડાદોડીમા ઘણીવાર ભારે વાવાઝોડામા દરિયાઈ તોફાનમાં ફસાય ત્યારે આવી મુશીબતોમાંથી સહીસલામત નીકળવા માટે વહાણવટુઓ માતાજીને યાદ કરીને નૈવેદ્ય ચઢાવવાની માનતા રાખતા હોય છે.
મેળાઓ ભારતીય સભ્યતા અને સંસ્કૃતિનું અભિન્ન અંગ છે જે આપણી પરંપરા અને વારસાનુ પ્રતિનિધિત્વ કરે છે.અહીં જુના વડવાઓથી ચાલતી આવતી પરંપરા મુજબ આસોસુદ આઠમે મેળો ભરાય છે. અહીં જિલ્લાભરમાંથી માનવ મહેરામણ માતાજીના દર્શન માટે ઉમટી પડે છે.આ વિસ્તારના ધર્મપ્રેમી શ્રદ્ધાળુઓ આબાલવૃદ્ધ સહીત ભાવિકો શ્રદ્ધા અને આસ્થાની દેવી મત્સ્ય માતાજી પ્રત્યે કુતજ્ઞતા અદા કરી ધન્યતા અનુભવે છે. મંદિરના પટાગણમા ઘરૈયા અને મહિલાઓ ગરબે રમી મેળાના આનંદ માણતા હોય છે.
