Damanganga Times.

Damanganga Times.

October 19, 2026

વાપીમાં વાહનચાલકો બેફામ

વાપીમાં વાહનચાલકો બેફામ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૮ ઃ વાપી શહેર અને આસપાસના વિસ્તારોમાં બેફામ વાહનચાલકોના કારણે માર્ગ અકસ્માતોની સમસ્યા ગંભીર બની રહી છે. શહેરના મુખ્ય માર્ગો તેમજ આંતરિક રસ્તાઓ પર બેફામ દોડતાં બાઈક, રિક્ષા, ટેમ્પો, ટ્રક અને ટેન્કર જેવા વાહનોને કારણે રાહદારીઓ અને અન્ય વાહનચાલકોની સુરક્ષા સામે જોખમ ઊભું થયું છે. માર્ગ અકસ્માતોમાં લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોવાની તેમજ કેટલાક કિસ્સાઓમાં જીવ ગુમાવવો પડતો હોવાની ચિંતાજનક સ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ ઊઠી છે. વાપી શહેરમાં વાહનોની વધતી સંખ્યા અને ટ્રાફિકની સ્થિતિ વચ્ચે વાહનચાલકોની બેદરકારી સમસ્યાને વધુ ગંભીર બનાવી રહી છે.  આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ, ટ્રાફિક પોલીસ અને વાપી મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા સંકલિત કામગીરી હાથ ધરવાની જરૂરિયાત જણાઈ રહી છે. શહેરના અકસ્માત વિસ્તારોમાં વૈજ્ઞાનિક અભ્યાસના આધારે સ્પીડ બ્રેકર લગાવવા, જરૂરી સ્થળોઍ ગતિમર્યાદાનાં બોર્ડ મૂકવા તેમજ બેફામ વાહન ચલાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઊઠી રહી છે. ખાસ કરીને ભારે વાહનોની અવરજવર ધરાવતા માર્ગો પર નિયમોનું કડક પાલન કરાવવામાં આવે તો અકસ્માતોની સંખ્યામાં ઘટાડો લાવી શકાય તેમ છે.