વાપી જીઆઈડીસીમાં સ્ટેગરીંગના દિવસે સાંજે ૧૫ મિનીટનો વીજકાપ રહેશે
- byDamanganga Times
- 16 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૫ ઃ વાપી જીઆઈડીસી સબ ડિવિઝનના કાર્યક્ષેત્રમાં આવતા આશરે ૮૭ ફીડરો સાથે જોડાયેલા વીજ ગ્રાહકોને હવે સ્ટેગર દિવસે સાંજના સમયે ૧૫ મિનિટનો વીજકાપ સહન કરવો પડશે. આ કામગીરી લોડ મેનેજમેન્ટ અને વીજળીના લોડને સરભર કરવાના હેતુથી હાથ ધરવામાં આવી રહી છે.
પ્રા વિગતો મુજબ, વાપી જીઆઈડીસીના ઔદ્યોગિક વિસ્તારમાં ડીજીવીસીઍલના આશરે ૮૭જેટલા ફીડરો આવેલા છે. આ ફીડરો મારફતે વિવિધ ઔદ્યોગિક ઍકમો ઉપરાંત રહેણાક અને કોમર્શિયલ વિસ્તારોમાં વીજ જોડાણ આપવામાં આવ્યાં છે. હાલની વીજ સમસ્યાને ધ્યાનમાં રાખીને ડીજીવીસીઍલ દ્વારા તમામ સંબંધિત વીજ ગ્રાહકોને મેસેજ મોકલી જાણ કરવામાં આવી છે કે ૧૫ ઓક્ટોબરથી તેમના વિસ્તારના ફીડર પર સોમવારથી શનિવાર દરમિયાન નક્કી કરાયેલા સ્ટેગર દિવસે સાંજે ૫ .૦૦ થી રાત્રે ૧૦.૦૦ વાગ્યા સુધીના સમય દરમિયાન ગમે ત્યારે ૧૫ મિનિટ માટે વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.
આ નિર્ણયને કારણે વાપી જીઆઈડીસીના ઉદ્યોગકારો, વેપારીઓ તેમજ રહેણાક વિસ્તારોમાં રહેતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને સાંજના સમયે ઔદ્યોગિક કામગીરી, વેપાર-ધંધા અને ઘરેલુ પ્રવૃત્તિઓ પર તેની અસર થવાની શક્યતા છે.
આ અંગે વાપી જીઆઈડીસી સબ ડિવિઝનના ડીજીવીસીઍલના જુનિયર ઍન્જિનિયર ફૂલવાલાઍ જણાવ્યું હતું કે હાલમાં ઊભી થયેલી વીજ સમસ્યાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે વીજ ગ્રાહકોને આ કામગીરીમાં સહયોગ આપવા અપીલ કરી છે.
