Damanganga Times.

Damanganga Times.

October 16, 2026

દમણ-દીવ અને દાનહમાં શિક્ષણનું સ્તર સુધારવા પ્રશાસન કડક

દમણ-દીવ અને દાનહમાં શિક્ષણનું સ્તર સુધારવા પ્રશાસન કડક


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૧૫ ઃ સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ પ્રશાસન દ્વારા શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા, વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા અને શૈક્ષણિક સંસ્થાઓની કામગીરીને નિયમિત કરવા માટે નવા સ્કૂલ ઍજ્યુકેશન નિયમો લાગુ કરવામાં આવ્યા છે. નવા નિયમો હેઠળ શાળાઓ દ્વારા ડોનેશન માંગવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
 સાથે જ ટ્યુશન ક્લાસીસ, કોચિંગ સેન્ટરો અને બિનમાન્યતા પ્રા શૈક્ષણિક સંસ્થાઓ માટે શિક્ષણ નિયામકની પૂર્વ મંજૂરી ફરજિયાત બનાવવામાં આવી છે. નવા નિયમો અનુસાર શિક્ષણ નિયામકની પૂર્વ મંજૂરી વિના કોઈપણ ટ્યુશન ક્લાસ, કોચિંગ સેન્ટર અથવા બિનમાન્યતા પ્રા શૈક્ષણિક સંસ્થા સંચાલિત કરી શકાશે નહીં. હાલમાં કાર્યરત સંસ્થાઓઍ જરૂરી મંજૂરી મેળવવા માટે ત્રણ મહિનાની અંદર પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
ખાનગી શાળાઓઍ માન્યતા મેળવવા માટે સંબંધિત શિક્ષણ બોર્ડના ધોરણો અનુસાર માળખાકીય સુવિધાઓ જાળવવી પડશે. ઉપરાંત, શિક્ષણ નિયામકની મંજૂરી વિના પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા યોજી શકાશે નહીં. નવા નિયમો હેઠળ શાળાના આચાર્યો અને શિક્ષકો માટે આચારસંહિતા નક્કી કરવામાં આવી છે. શિક્ષકો કોઈપણ પ્રકારની ભેટ કે ભંડોળ સ્વીકારી શકશે નહીં.
શિક્ષકોને ખાનગી ટ્યુશન આપવા અને વ્યાપારી પ્રવૃત્તિઓમાં જોડાવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
સ્વનિર્ભર સહિતની શાળાઓ વાલીઓ પાસેથી ડોનેશન માંગી શકશે નહીં. સરકારી અને ગ્રાન્ટ-ઇન-ઍઇડ શાળાઓમાં ધોરણ ૧૨ સુધી પ્રવેશ ફી અને ટ્યુશન ફી લેવામાં આવશે નહીં. બીજી તરફ, સ્વનિર્ભર શાળાઓ સંચાલન ખર્ચ અને ઉપલબ્ધ સુવિધાઓને ધ્યાનમાં રાખીને ફી નક્કી કરી શકશે, પરંતુ ડોનેશન વસૂલી શકશે નહીં. નિયમોમાં ૧૪ વર્ષ સુધીના બાળકો માટે મફત શાળાકીય શિક્ષણ સુનિડ્ઢિત કરવાની જોગવાઈ કરવામાં આવી છે. શાળાઓમાં વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની શારીરિક સજા આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓનું ક્લાસવર્ક અધૂરું હોય તો તેમને રિસેસ દરમિયાન કામ પૂર્ણ કરાવી શકાશે, પરંતુ માત્ર આ કારણસર શાળાનો સમય પૂરો થયા બાદ તેમને રોકી શકાશે નહીં. આ નિયમોનો હેતુ શિક્ષણ ક્ષેત્રમાં જવાબદારી અને પારદર્શિતા વધારવા ઉપરાંત વિદ્યાર્થીઓ તથા વાલીઓને ગેરરીતિઓથી સુરક્ષા આપવાનો છે. હવે આ નિયમોનો અસરકારક અમલ થાય છે કે નહીં, તેના પર સૌની નજર રહેશે.