વાપી ખડકલા મુખ્ય માર્ગ પર બે વૃક્ષો જોખમી સ્થિતિમાં, અકસ્માતનો ભય
- byDamanganga Times
- 15 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૧૪ ઃ વાપી મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૯માં આવતા ખડકલા તબેલા પાસેના મુખ્ય માર્ગને પહોળો કરવાની કામગીરી કરવામાં આવી છે. આ માર્ગ પર રસ્તાની વચ્ચે ડિવાઈડર, સ્ટ્રીટલાઈટ તેમજ રસ્તાની બંને બાજુ ડ્રેનેજ લાઈન બનાવવામાં આવી છે. જોકે, માર્ગની વચ્ચે બે વૃક્ષો હજુ પણ અડીખમ ઊભાં હોવાથી વાહનચાલકો અને રાહદારીઓ માટે જોખમ ઊભું થયું છે.
માર્ગના નવીનીકરણ અને પહોળાઈ વધારવાની કામગીરી બાદ પણ આ બંને વૃક્ષો રસ્તાની વચ્ચે જોખમી સ્થિતિમાં યથાવત્ રહેતાં અહીંથી પસાર થતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્ના છે. ખાસ કરીને વાહનોની અવરજવર દરમિયાન આ વૃક્ષોને કારણે અકસ્માત સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્થાનિક લોકો અને રાહદારીઓના જણાવ્યા અનુસાર, માર્ગ પર વિકાસલક્ષી કામગીરી કરવામાં આવી છે, પરંતુ રસ્તાની વચ્ચે રહેલાં આ બે વૃક્ષો તરફ પણ સંબંધિત તંત્રઍ ધ્યાન આપવાની જરૂર છે. જો સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં અકસ્માત સર્જાવાની ભીતિ રહેલી છે. આથી સ્થાનિક નાગરિકો અને રાહદારીઓ દ્વારા વાપી મહાનગરપાલિકાના વહીવટી તંત્ર સમક્ષ આ બંને વૃક્ષોની જોખમી સ્થિતિને ધ્યાને લઈ તાત્કાલિક સ્થળ તપાસ કરી જરૂરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી રહ્ના છે.
