Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

વાપીના ગાયત્રી મંદિરમાં ગવાતા ગરબાનો ગુંજરાવ આજે પણ લોકો વાગોળે છે

વાપીના ગાયત્રી મંદિરમાં ગવાતા ગરબાનો ગુંજરાવ આજે પણ લોકો વાગોળે છે


(ુમુકુંદ સોની દ્વારા)
વાપી, તા. ૧૪ ઃ આજે વાપી મહાનગર બન્યું છે, પણ સાત દાયકા પહેલા વાપી ઍક નાનકડું ગામડું હતું, જે આઝાદ નગરથી લઈ દેસાઈવાડ સુધી જ સમેટાઈ જતું હતું. આવા સમયે શરૂ થયેલા વાપીના સૌથી જુના ગાયત્રી મંડળનો ઇતિહાસ આજે પણ વડીલોના મુખે વાગોળાય છે.
વાત છે ૧૯૫૩ની. વાપી બજાર રોડ, ગાંધી માર્કેટ પાછળના વિસ્તારમાં રહેતા ભજનિક પરિવાર નારણદાસ રાણા પરિવારના પુત્રો સતીષભાઈ ઉર્ફે ઠાકોરભાઈ રાણા, હીરાભાઈ રાણા અને પરસોત્તમદાસ રાણાને નવરાત્રી મંડળ સ્થાપવાનો વિચાર આવ્યો. આ વિચારને વાપી ઝંડા ચોક ખાતે રહેતા બંકિમભાઈ અગ્રવાલ અને દમણના વર્તમાન ભાજપ નેતા વિશાલ ટંડેલના દાદા સ્વ. ગોપાલભાઈ નારણભાઈ ટંડેલે તન-મન-ધનથી ટેકો આપ્યો અને આ રીતે ૧૯૫૩માં શ્રી ગાયત્રી મંડળની સ્થાપના થઈ. શરૂઆતમાં ગાંધી માર્કેટ પાછળ જ ગરબા રમવાનું શરૂ થયું હતું.
જો જોતામાં આ મંડળ અને અહીં ગવાતા ગરબા ઍટલા પ્રખ્યાત થઈ ગયા કે આજુબાજુના ગામડાઓમાંથી લોકો ટોળે વળતા. આ મંડળની સૌથી મોટી ઓળખ હતી મા ગાયત્રીની આરતી. ઍટલા કરુણ સ્વરમાં આરતી ગવાતી કે સાંભળનારની આંખો ભીની થઈ જતી, જે પરંપરા આજે પણ જળવાઈ રહી છે.
તે સમયે નાની બાળાઓ, યુવાનો, મહિલાઓ માટે અલગ અલગ અને સમૂહ ગરબા રમાતા, જેમાં હિન્દુ-મુસ્લિમ દરેક સમાજના લોકો ઉત્સાહથી ભાગ લેતા. યુસુફ ભાઈ ઇંડા વાળાના પિતા પોતે મુસ્લિમ હોવા છતાં દર નવરાત્રીમાં માતાજીને  શ્રીફળ અને યથાશક્તિ દાન અર્પણ કરવાં આવતા જે પરંપરા આજે પણ જળવાયેલી છે.હીરાભાઈ ઉર્ફે સોમુભાઈ રાણા દ્વારા ગવાતો ભાઈ-બહેનનો ગરબો આજે પણ લોકો યાદ કરે છે. દાંડિયામાં વકડવેલ સહિત અનેક પ્રકારના રાસ રમાતા.
આ મંડળની વાજિંત્ર ટીમ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જાણીતી હતી. હાર્મોનિયમ પર ઠાકોરભાઈ રાણા, માઉજીભાઈ ટેલર પોતે કર્ણપ્રિય ગરબા ગાતા, બેન્જો પર વાપીના મહંમદભાઈ રંગારી, તબલા પર ઈબ્રાહીમભાઈ  જેવા હિન્દુ-મુસ્લિમ કલાકારોની માસ્ટર ટીમ હતી. ગરબા ઉપરાંત બાબુભાઈ ચુડીવાળા, બચુભાઈ મિશ્રા, કાંતિભાઈ ચૌહાણ, શિવજીભાઈ પાવર હાસ્યના કાર્યક્રમો કરી મનોરંજન કરાવતા. મંડળને મજબૂત બનાવવામાં ગુલાબભાઈ મારવાડી સહિત અનેક આગેવાનો તનમાંધનથી જોડાયા હતા. જેમાં અમૃતભાઈ ભાવસાર, જશુભાઈ શાહ જેવા દાતાઓ ખેલૈયાઓને વાસણો ઈનામમાં આપતા. ગરબા જોવા લોકો ગાંધી માર્કેટની છત પર પણ બેસી જતા. વાપીમાં તે સમયે માત્ર અનાવિલ શેરી અને શારદા મંડળ જેવી ગણતરીની જગ્યાઍ જ નવરાત્રી ઉજવાતી હતી. આજે તો વાપી શહેરમાં સોસાયટી સોસાયટી ઍ તેમજ કેટલાક સ્થળે ઍન્ટ્રી પાસ સિસ્ટમ થકી લખલૂટ ખર્ચો કરી ઝકમજળ નવરાત્રી મહોત્સવ ઓર્કેસ્ટ્રા અને ડીજે ના તાલે રમાય છે પણ જુના પારંપરિક મુખેથી  ગરબા સાંભળવાની અને ગાવાની પરંપરા બહુ જૂજ જોવા મળે છે.