ખડકલામાં રામલીલાનું આકર્ષણ
- byDamanganga Times
- 14 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૩ ઃ વાપીના ખડકલા વિસ્તારમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ નવરાત્રિ પર્વ નિમિત્તે રામલીલાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રામલીલા દરમિયાન રામાયણના વિવિધ પ્રસંગોનું જીવંત મંચન કરવામાં આવી રહ્નાં છે, જેને નિહાળવા દરરોજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી રહ્ના છે. રામલીલાના મંચન દરમિયાન ભગવાન શ્રીરામના જન્મથી લઈને શ્રીરામ અને સીતાજીનાં જીવન સાથે જોડાયેલા વિવિધ પ્રસંગો રજૂ કરવામાં આવી રહ્ના છે. જેમાં રામજન્મ, સીતાજી સાથેના પ્રસંગો, વનવાસ અને સીતાજીના અપહરણ સહિતના દૃશ્યોનો સમાવેશ થાય છે. રામાયણનાં પાત્રો દ્વારા કરવામાં આવતા આ મંચથી ઉપસ્થિત દર્શકોને ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાનો પરિચય મળી રહ્ના છે.
ખડકલા વિસ્તારમાં ઉત્તર ભારતીયો સહિત વિવિધ રાજ્યોમાંથી આવીને વસેલા લોકોની મોટી વસ્તી હોવાથી રામલીલાનું વિશેષ મહત્ત્વ જોવા મળે છે.
ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો માટે રામલીલા ધાર્મિક આસ્થા સાથે સંકળાયેલી ઍક મહત્ત્વપૂર્ણ પરંપરા છે. નવરાત્રિ દરમિયાન યોજાતી આ રામલીલા થકી લોકો પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડાયેલા રહે છે.
વાપીમાં ભુલાતી જતી આ રામલીલાના આયોજનને પગલે સમગ્ર વિસ્તારમાં ધાર્મિક માહોલ જોવા મળી રહ્ના છે. દરરોજ મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે ઉપસ્થિત રહી રામાયણના વિવિધ પ્રસંગોનું મંચન નિહાળીને આનંદ માણી રહ્ના છે.
