મધુબન ડેમની રાજયના વન અને પર્યાવરણ મંત્રીઍ મુલાકાત લીધી
- byDamanganga Times
- 13 October, 2026
(દમણગંગા ટાઈમ્સ)
વલસાડ, તા. ૧૨ ઃ રાજ્યના વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા તા. ૧૧ ઓક્ટોબરના રવિવારે સવારે ૮ કલાકે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મધુબન ડેમ ખાતે પહોંચ્યા હતાં. જ્યાં તેમણે ડેમના બાંધકામ અને પાણી વહેંચણી તેમજ હવામાન અંગેની માહિતી મેળવી હતી. વલસાડ જિલ્લાના બે દિવસના પ્રવાસે પધારેલા મંત્રી અર્જુનભાઈઍ શનિવારે રાત્રી રોકાણ કપરાડાના પીપરોળી વન ચોકીમાં રોકાણ કરી સવારે મધુબન ડેમમાં ૩ કિમિ સુધી બોટિંગ કરી મધુબન ડેમ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ડેમમાંથી છોડવામાં આવતા પાણી, ફ્લડ કંટ્રોલ રૂમ, આ ડેમમાંથી વલસાડ સિવાય ક્યાં ક્યાં વિસ્તારને પાણી વહેંચણી કરવામાં આવે છે, ડેમની સ્થિતિ સહિતની ઝીણવટભરી માહિતી દમણગંગા ડેમના ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર પારસભાઈ પટેલે આપી હતી.
વલસાડ દક્ષિણ વન વિભાગના અધિકારી તેમજ કર્મચારીઓઍ મંત્રી અર્જુનભાઈને આદિવાસી ઓળખ સમાન વારલી પેઇન્ટિંગ અને આદિવાસી વાદ્ય તારપુ સ્મૃતિ ચિન્હ તરીકે ભેટ આપી હતી.
મંત્રી અર્જુનભાઇઍ મધુબન ડેમનો મનમોહક નજારો નિહાળી બાજુમાં જ આવેલા પીપરોળી ખાતે ઇકો ટુરિઝમના વિકાસ અંગે વન અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ પ્રસંગે વલસાડ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક ડો.બી.સૂચિન્દ્રા, વલસાડ દક્ષિણ વન વિભાગના નાયબ વન સંરક્ષક દિનેશભાઇ રબારી, મદદનીશ વન સંરક્ષક અનુરાગ બાબેલ તેમજ દક્ષિણ વન વિભાગના ફતેપુર રેન્જના આર.ઍફ.ઓ. મનીષા આહીર તેમજ અન્ય અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્ના હતાં.
