વલસાડમાં ‘ઉત્સવ ૨૦૨૬ નવરાત્રી મહોત્સવ’નું આયોજન
- byDamanganga Times
- 13 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૨ ઃ વલસાડ અનાવિલ સમાજ દ્વારા આદ્યશક્તિ માતાજીની આરાધનાના પાવન પર્વ નિમિત્તે ‘ઉત્સવ ૨૦૨૬ નવરાત્રી મહોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ આગામી તારીખ ૧૧ ઓક્ટોબર, ૨૦૨૬ થી ૨૦ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન દરરોજ રાત્રે ૮ વાગ્યાથી શાંતિવન રિસોર્ટ, વશીયર, વલસાડમાં આયોજન કરવામાં આવ્યું છે.
અનાવિલ સમાજ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જેવી કે વાર્ષિક સ્નેહ મિલન, સમૂહ યજ્ઞોપવિત, તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારંભ, શેરી ગરબા સ્પર્ધા, વિધવા સહાય યોજના, કે.આર. દેસાઈ કપ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ, ૪૦ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ, રાહત દરે નોટબુક વિતરણ, વયસ્ક અનાવિલો માટે ગેટ-ટુગેધર તથા ધાર્મિક પ્રવાસ, ગણપતિ ડેકોરેશન સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, ઇન્ડોર ગેમ્સ સ્પર્ધા અને વિવિધ વિષયો પર સેમિનારોનું સફળ સંચાલન કરવામાં આવે છે.
આ નવરાત્રી મહોત્સવમાં વલસાડ, વાપી, પારડી, ચીખલી, નવસારી, બીલીમોરા અને ગણદેવી સહિતના તમામ વિસ્તારોના અનાવિલો માટે નિઃશુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો છે.
આ ઉપરાંત અનાવિલ સ્વજનો સાથે અન્ય જ્ઞાતિના સ્નેહીજનો તથા મિત્રો પણ કાર્યક્રમના નિયમોને આધીન સહર્ષ ભાગ લઈ રહ્ના છે. આ ભવ્ય આયોજનમાં પરિવારજનો સાથે ઉત્સાહભેર સહભાગી થઈ ઉત્સવને યાદગાર બનાવવા અનાવિલ સમાજ વલસાડના પ્રમુખ, હોદ્દેદારો, કારોબારી તેમજ આમંત્રિત સભ્યો દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
