Damanganga Times.

Damanganga Times.

October 13, 2026

તિથલની વાંકી નદી પર રૂ. ૧૪.૫૯ કરોડના ખર્ચે નવો બ્રિજ બનશે

તિથલની  વાંકી નદી પર રૂ. ૧૪.૫૯ કરોડના ખર્ચે નવો બ્રિજ  બનશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૨ ઃ વલસાડ શહેરના મહત્વપૂર્ણ ગણાતા તિથલ રોડ પર વાંકી નદી ઉપર અંદાજે રૂપિયા ૧૪.૫૯ કરોડના ખર્ચે નવા બ્રિજના નિર્માણ કાર્યનું શાસ્ત્રોક્ત વિધિ સાથે  વલસાડના ધારાસભ્ય ભરત પટેલ તથા જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલના હસ્તે  ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આગામી ૧૮ મહિનામાં આ નવો બ્રિજ તૈયાર કરી લોકાર્પણ કરવા માટે સંબંધિત ઍજન્સીને સૂચના આપવામાં આવી છે.
આ પ્રસંગે ધારાસભ્ય ભરત પટેલે વિગતો આપતાં જણાવ્યું હતું કે, વાંકી નદી પર હાલમાં આવેલો બ્રિજ ૫૦ વર્ષથી પણ વધુ જૂનો છે. સમય જતાં તેની ગુણવત્તા નબળી પડતાં સુરક્ષાના ભાગરૂપે તેને બદલવો અનિવાર્ય બન્યો હતો. આ સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અગાઉ ૨૦ કરોડની વહીવટી મંજૂરી અપાઈ હતી, જે અંતર્ગત ટેન્ડર પ્રક્રિયા બાદ ૧૪.૫૯ કરોડના ખર્ચે નવો પુલ બનાવવાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટની ખાસિયત ઍ છે કે, નવો બ્રિજ હાલના જૂના બ્રિજની બરાબર બાજુમાં બનાવવામાં આવશે. જેથી કરીને નિર્માણ કાર્ય દરમિયાન વાહનચાલકોને કોઈ અગવડ ન પડે અને જૂના બ્રિજ પરથી ટ્રાફિક વ્યવહાર રાબેતા મુજબ ચાલુ રહી શકે. તિથલ બીચ પ્રવાસીઓ માટેનું જાણીતું આકર્ષણનું કેન્દ્ર છે અને આ માર્ગ કોસ્ટલ હાઈવેને પણ જોડે છે, જેના કારણે અહીં સતત ભારે ટ્રાફિક રહેતો હોય છે.
આ નવો અને પહોળો બ્રિજ તૈયાર થવાથી વલસાડ શહેર, તિથલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લાખો લોકોને ટ્રાફિક જામની જટિલ સમસ્યામાંથી કાયમી છુટકારો મળશે.   આ પ્રસંગે તિથલ ગામના સરપંચ રાકેશભાઈ પટેલ ભાગડા વડાના સરપંચ ધર્મેશ ભાઈ પટેલ, તથા અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા.