Damanganga Times.

Damanganga Times.

October 13, 2026

કાંજણરણછોડ ગ્રા.પં.ના વિકાસકામોમાં ભ્રષ્ટાચાર સામે વિજિલન્સ તપાસની માંગ

કાંજણરણછોડ ગ્રા.પં.ના વિકાસકામોમાં ભ્રષ્ટાચાર સામે વિજિલન્સ તપાસની માંગ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૨ ઃ વલસાડ તાલુકાની કાંજણ રણછોડ ગ્રામ પંચાયતમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન થયેલા વિકાસના કામોમાં લાખો રૂપિયાનો ગેરરીતિ અને ભ્રષ્ટાચાર આચરાયો હોવાના ગંભીર આરોપો સામે આવતા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. મહિલા સરપંચ, સરપંચ પતિ અને તાલુકા વિકાસ કચેરીના અધિકારીઓની કથિત મિલીભગતથી પંચાયતના વિકાસ કામો પોતાના મળતીયાઓને સોંપી સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવી હોવાની વિગતો -કાશમાં આવી છે.  વલસાડ તાલુકા ના કાંજણ રણછોડ ગામમાં વરસાદી પાણીના નિકાલ માટે પાઇપ કે નાળાં નાખવાના કામમાં વાસ્તવિકતા કરતાં ઓછું કામ કરી મોટા બિલ બનાવી મંજૂર કરાવી લેવાયા હોવાની ફરિયાદ સાથે  ગામના ઍક જાગૃત યુવાને છેક ગાંધીનગર સુધી લેખિત રજૂઆત કરી હતી. જોકે, ભ્રષ્ટાચાર ઢાંકવા માટે વગદાર રાજકારણીઓને વચ્ચે રાખીને દબાણપૂર્વક તે યુવાનની અરજી પરત ખેંચાવી લેવામાં આવી હોવાની ચર્ચાઍ જોર પકડ્યું છે.
બીજી તરફ, ગ્રામ પંચાયતના વર્ષ ૨૦૨૨-૨૩ થી ૨૦૨૬-૨૭ (ઓગસ્ટ-૨૦૨૬ અંતિત) ના ગાળામાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાન્ટના હિસાબો સામે આવ્યા છે, જેમાં ૧૫મું નાણાં પંચ ૧,૨૪,૬૬,૭૯૧ , ન્યુ ગુજરાત પેટર્ન ૩૨,૦૦,૦૦૦,  સ્ટેમ્પ ડ્યુટી ૧૫,૬૫,૦૦૦, સાંસદ સભ્ય ફંડ/આદિ આદર્શ ૧૩,૬૫,૦૦૦, આઈસીડીઍસ ૧૧,૫૦,૦૦૦, આયોજન મંડળ ૫,૬૫,૦૦૦,તેમજ સ્વચ્છ ભારત મિશન મળી કુલ ૨,૨૬,૧૪,૭૯૮ જેટલો જંગી ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. આ ઉપરાંત મહાત્મા ગાંધી રોજગાર યોજના (મનરેગા) અને ગ્રામ પંચાયતના સ્વભંડોળની માહિતી હજુ પણ મેળવવાની બાકી દર્શાવાઈ છે.
ગામમાં થયેલા કરોડો રૂપિયાના ખર્ચ સામે જમીની સ્તરે કામોની ગુણવત્તા અને અસ્તિત્વ શંકાના દાયરામાં આવતા ગામના માજી સરપંચ તેમજ ગામના અગ્રણીઓઍ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવા કમર કસી છે. સમગ્ર પ્રકરણમાં ઉચ્ચ સ્તરે વિજિલન્સ તપાસ કરાવવાની તજવીજ હાથ ધરાતાં જ ગ્રામ પંચાયતના સરપંચ, સરપંચ પતિ, મળતીયા સભ્યો તેમજ તાલુકા પંચાયતના સંબંધિત બાબુઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. જો નિષ્પક્ષ વિજિલન્સ તપાસ થશે તો અનેક મોટા માથાઓની સંડોવણી બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા વર્તાઈ રહી છે.