વાપીમાં ટેમ્પો અડફેટે ૫ વર્ષની બાળકીનું મોત
- byDamanganga Times
- 12 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૧૧ ઃ વાપીના ડુંગરા ડુંગરી ફળિયા પાસે નાનાપોંઢા તરફ જતા રોડ પર હિટ ઍન્ડ રનની ગંભીર ઘટનામાં ૫ વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે.
ફરિયાદી અબુતલ્લા અનિરુદ્દલા ખાન (ઉ.વ.૩૯, રહે. મકસુદભાઈની ચાલ, રૂમ નં.૩૭, ડુંગરી ફળિયા, વાપી, મૂળ યુપી) ઍ જણાવ્યું કે તા.૧૬/૦૯/૨૦૨૬ ના રોજ રાત્રે ૮ઃ૩૦ વાગ્યે તેમની પત્ની તસરીન નિશા અને દીકરી ઈલ્મા ફાતીમા (ઉ.વ.૫) રોડ ક્રોસ કરતા હતા, ત્યારે આઈસર ટેમ્પો નં. ઝ઼ઝ઼-૦૩-જ્-૯૨૬૩ ના ચાલક અંકુશકુમાર પ્રકાશ યાદવે પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી બાળકીને ટક્કર મારી હતી.
બાળકીને ડાબા હાથ અને ડાબા પગે ગંભીર ઈજા થતા તાત્કાલિક જીવનદીપ હોસ્પિટલ લઈ જવાઈ હતી. હાલત ગંભીર હોવાથી ડોક્ટરોઍ વાપી હરિયા હોસ્પિટલ અને ત્યાંથી નમો હોસ્પિટલ સેલવાસ રીફર કરી હતી. જ્યાં સારવાર દરમિયાન તા.૧૮/૦૯/૨૦૨૬ ના રોજ બપોરે ૩ઃ૧૫ વાગ્યે બાળકીઍ દમ તોડ્યો હતો. પોલીસે મૃતદેહનું પીઍમ કરાવી પરિવારને સોંપ્યો હતો. આ અંગે વાપી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે.
