વાપીથી પંજાબના મેડ સંધુ હત્યા કેસના ત્રણ વોન્ટેડને ઝડપી પાડ્યા
- byDamanganga Times
- 12 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૧ ઃ પંજાબ રાજ્યના અમૃતસર ખાતે બનેલા ચકચારી મધુ સુદાન સિંહ ઉર્ફે મેડ સંધુ મર્ડર કેસમાં સંડોવાયેલા અને નાસતા ફરતા ત્રણ વોન્ટેડ આરોપીઓને ગુજરાત ઍટીઍસ અને વલસાડ ઍસ.ઓ.જી.ની ટીમે સંયુક્ત ઓપરેશન પાર પાડીને વાપી થી ઝડપી પાડ્યા છે.
પંજાબના અમૃતસર સ્થિત લોરાહકા રોડ પર કાર વોશિંગ સેન્ટર નજીક ગત તારીખ ૩ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ અજાણ્યા શખ્સોઍ અંધાધૂંધ ફાયરિંગ કરી મધુ સુદાન સિંહ ઉર્ફે મેડ સંધુની હત્યા નીપજાવી હતી. આ ગુના સંદર્ભે અમૃતસર શહેરના કેંટોનમેન્ટ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. આ હત્યાકાંડના આરોપીઓ ગુજરાત તરફ નાસી ગયા હોવાની બાતમી સીઆઈઍ પંજાબના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગુજરાત ઍટીઍસને આપવામાં આવી હતી. બાતમી મળતાં જ પોલીસ અધિક્ષક કે. સિદ્ધાર્થના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાય તથા પોલીસ વાયરલેસ ઇન્સ્પેક્ટર કૃપેશ પટેલની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમી ડેવલપ કરી હતી. આ તપાસ દરમિયાન આરોપીઓ વલસાડ જિલ્લાના ઔદ્યોગિક નગર વાપી ખાતે છુપાયા હોવાનું ખૂલ્યું હતું. જેથી વલસાડ ઍસ.ઓ.જી. પીઆઈ કે. કે. પરમાર અને તેમની ટીમ સાથે સંકલન સાધી વાપી ખાતે દરોડો પાડી ત્રણેય આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. . હરસિમરનજીત સિંહ ઉર્ફે સિમુ સિંગ્ગા પુત્ર સરબજિત સિંહ (રહે. ગામ સંગે, થાના સદર, જિલ્લો તરનતારન, પંજાબ)૨. ફતેહ સિંહ પુત્ર દિલબાગ સિંહ (રહે. ગામ સંગે, થાના સદર, જિલ્લો તરનતારન, પંજાબ)૩. અરમાન સિંહ પુત્ર સતનામ સિંહ (રહે. ગામ સંગે, થાના સદર, જિલ્લો તરનતારન, પંજાબ) ઝડપાયેલા ત્રણેય શખ્સોની પ્રાથમિક પૂછપરછમાં તેઓની આ હત્યાકાંડમાં સીધી ભૂમિકા હોવાનું અને રેકી તેમજ અન્ય બાબતોને અંજામ આપ્યો હોવાનું સ્પષ્ટ થયું હતું. ત્યારબાદ પંજાબ પોલીસની ટીમને જાણ કરવામાં આવતા, પંજાબ પોલીસની ટીમ ગુજરાત આવી પહોંચી હતી અને ૧૦ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ ત્રણેય આરોપીઓનો કબજો મેળવી વધુ કાયદેસરની કાર્યવાહી માટે તેઓને પંજાબ લઈ જવામાં આવ્યા છે.
