પારનેરા ડુંગર પર પ્રથમ દિવસે દર્શનાર્થે ભક્તોની ભીડ
- byDamanganga Times
- 12 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા.૧૧ ઃ આજથી શક્તિની આરાધનાના પાવન પર્વ નવલી નવરાત્રિનો ભક્તિભાવપૂર્વક પ્રારંભ થયો છે. નવરાત્રિના પ્રથમ નોરતે વહેલી સવારથી જ વલસાડ શહેર અને જિલ્લાના પૌરાણિક માતાજીના મંદિરોમાં માઈભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી.
વલસાડ સ્થિત અતિ પૌરાણિક અંબા માતા મંદિરમાં વહેલી સવારની મંગળા આરતીથી જ ભક્તો દર્શનાર્થે કતારબદ્ધ જોવા મળ્યા હતા. આ ઉપરાંત વલસાડ જિલ્લાના ઐતિહાસિક પારનેરા ગામે ડુંગર પર બિરાજમાન માતાજીના ધાર્મિક સંકુલમાં અભૂતપૂર્વ ભક્તિમય માહોલ સર્જાયો હતો. પારનેરા ડુંગર પર બિરાજમાનમાં ચંડિકા, અંબિકા, નવદુર્ગા અને કાળિકા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવવા માટે દૂર-દૂરથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
ભક્તોઍ માતાજીને લાલ ચટક ચુંદડી, શ્રીફળ અને પૂજા-અર્ચનાની સામગ્રી અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. મંદિર પરિસરો જય અંબે અને જય માતાજીના જયઘોષથી ગુંજી ઊઠ્યા હતા. પ્રથમ દિવસથી જ ભાવિકોના ભારે ધસારાને પગલે મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક તંત્ર દ્વારા દર્શનાર્થીઓ માટે સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર પંથકમાં નવરાત્રિના આગમન સાથે જ ઉત્સાહ અને ભક્તિનો માહોલ છવાયો છે.
