Damanganga Times.

Damanganga Times.

October 12, 2026

બગવાડાનું ૪૫૦ વર્ષ જૂનું મા અંબાનું મંદિર રોશનીથી ઝળહળી ઊઠ્યું

બગવાડાનું ૪૫૦ વર્ષ જૂનું મા અંબાનું મંદિર રોશનીથી ઝળહળી ઊઠ્યું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૧૧ ઃ  પારડી ના બગવાડા ગામે આવેલું આશરે ૪૫૦ વર્ષ જૂનું પૌરાણિક મા અંબાનું મંદિર શારદીય નવરાત્રિ પર્વ નિમિત્તે આકર્ષક રોશનીથી ઝળહળી ઊઠ્યું છે. સમગ્ર પંથકમાં આસ્થાનું પ્રતીક ગણાતા આ મંદિરમાં નવરાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તો માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે. નવરાત્રિના પર્વને લઈને મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ છવાયો છે.
બગવાડાના ઉપસરપંચ અને મંદિર ટ્રસ્ટી જવાહરભાઈ પાઠકના જણાવ્યા અનુસાર, બગવાડામાં આવેલું મા અંબાનું આ મંદિર આશરે ૪૫૦ વર્ષ પૌરાણિક છે. લોકવાયકા મુજબ, છત્રપતિ શિવાજી મહારાજ જ્યારે મહારાષ્ટ્રના વસઈ કિલ્લાથી સુરત તરફ પ્રયાણ કરતા હતા, ત્યારે તેમણે બગવાડા ખાતે રાતવાસો કર્યો હતો. આ દરમિયાન તેમણે માતાજીની પૂજા-અર્ચના કરી હતી અને ત્યારબાદ સુરત તરફ આગળ વધ્યા હતા. આ ઐતિહાસિક લોકવાયકા મંદિરના ધાર્મિક મહત્ત્વમાં વધારો કરે છે.
આ પૌરાણિક મંદિરની વિશેષતા ઍ છે કે અહીં નવરાત્રિ દરમિયાન અષ્ટમીની રાત્રે માતાજીના હવનનું આયોજન કરવામાં આવે છે, જ્યારે હવનની પૂર્ણાહુતિ નોમના દિવસે બપોરે કરવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી આ ધાર્મિક પરંપરા પ્રત્યે ભક્તોમાં વિશેષ આસ્થા જોવા મળે છે.
નવરાત્રિની અષ્ટમીના દિવસે અહીં પરંપરાગત મેળો પણ ભરાય છે. આ મેળામાં બગવાડા સહિત આસપાસના ગામો અને વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો માતાજીનાં દર્શન કરવા ઉમટી પડે છે.