Damanganga Times.

Damanganga Times.

October 10, 2026

બીલીમોરા ઍપીઍમસીની ચૂંટણીમાં તમામ ૧૧ ઉમેદવારો બિનહરીફ વિજેતા

બીલીમોરા ઍપીઍમસીની ચૂંટણીમાં તમામ ૧૧ ઉમેદવારો બિનહરીફ વિજેતા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા.૦૯ ઃ બીલીમોરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (ઍપીઍમસી)ની ચૂંટણીમાં ગત ટર્મના પ્રમુખ અને સહકારી અગ્રણી ગોવિંદભાઈ ટી. પટેલના નેતૃત્વમાં તેમની ટીમના તમામ ૧૧ ઉમેદવારો બિનહરીફ વિજેતા બનતાં સહકારી ક્ષેત્રમાં નવી સિદ્ધિ નોંધાઈ છે. ઉમેદવારીપત્રો પરત ખેંચવાની શુક્રવારની અંતિમ સમયમર્યાદા પૂર્ણ થયા બાદ આ ચિત્ર સ્પષ્ટ થયું હતું. ગોવિંદભાઈ પટેલની સંગઠનશક્તિ, આગવી કોઠાસૂઝ અને વિવિધ વર્ગના અગ્રણીઓ સાથેના સંકલનને આ સફળતાનું મુખ્ય કારણ માનવામાં આવે છે. બીલીમોરા ઍપીઍમસીની કુલ ૧૪ બેઠકો માટે ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. તેમાં ખેડૂત વર્ગની ૧૦ અને વેપારી વર્ગની ચાર બેઠકોનો સમાવેશ થાય છે. ગત ૫ ઓક્ટોબરે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શુક્રવારે ઉમેદવારી પાછી ખેંચવાના અંતિમ સમય પછી ગોવિંદભાઈ પટેલની ટીમના ૧૧ ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા હતાં. જેમાં ખેડૂત વર્ગની તમામ ૧૦ બેઠકો પર ગોવિંદભાઈ ટી. પટેલ (કલીયારી), ઉમેશભાઈ બી. પટેલ (અંભેટા), મહેશભાઈ ઍલ. પટેલ (માણેકપોર), નિમેષ ઍસ. નાયક (કછોલી), રઘુભાઈ બી. પટેલ (દેવસર), કિશોરભાઈ ટી. પટેલ (ગણદેવી), મનુભાઈ બી. પટેલ (કેસલી), મનહરભાઈ કે. પટેલ (બીલીમોરા), નરેન્દ્રભાઈ ઍન. નાયક (ગડત) અને હિરેન કે. મહેતા (અજરાઈ) બિનહરીફ વિજેતા થયા હતા.જ્યારે વેપારી વર્ગની ચાર બેઠકો પૈકી ગણદેવી તાલુકા ખેડૂત સંઘના પ્રતિનિધિ ઠાકોરભાઈ ડી. પટેલ (નાંદરખા) ઍકમાત્ર ઉમેદવાર તરીકે બિનહરીફ વિજેતા થયા હતાં. આમ, કુલ ૧૪ બેઠકો પૈકી ૧૧ બેઠકો પર બિનહરીફ વરણી થઈ છે. આ પરિણામને પગલે વિવિધ સામાજિક, શૈક્ષણિક, રાજકીય અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓઍ ગોવિંદભાઈ પટેલને અભિનંદન પાઠવી તેમની સંગઠનક્ષમતા અને કોઠાસૂઝને બિરદાવી હતી. સહકારી ક્ષેત્રમાં છેલ્લા ચાર દાયકાથી વિવિધ સહકારી મંડળીઓમાં મોભાના પદ ઉપર રહી વિકાસકાર્યોમાં યોગદાન આપતા ગોવિંદભાઈ પટેલે ચૂંટણી પૂર્વે વિવિધ સમાજના પ્રતિનિધિઓ અને અગ્રણીઓ સાથે બેઠકો યોજી હતી. પક્ષાપક્ષીથી દૂર રહી સૌને સાથે રાખવાના અભિગમ સાથે તેમણે ટીમને બિનહરીફ વિજેતા બનાવવામાં સફળતા મેળવી હતી. બીલીમોરા ઍપીઍમસીમાં વેપારી વર્ગ માટે ચાર બેઠકો નિર્ધારિત હોવા છતાં માત્ર ઍક જ ઉમેદવારી નોંધાઈ હતી.
આ સ્થિતિ પાછળ વેપારી ઉમેદવારો માટેના લાયકાતના માપદંડમાં થયેલા ફેરફારો જવાબદાર હોવાનું જાણવા મળે છે. નવા નિયમો મુજબ ઉમેદવાર પાસે યુનિફાઇડ લાઇસન્સ અને જીઍસટી નંબર હોવો જરૂરી છે. ઉપરાંત, છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન સતત રૂ. ૫૦ હજારની માર્કેટ ફી ભરેલી હોવાની શરત પણ લાગુ પડે છે. બીજી તરફ, ફળ અને શાકભાજીના વેપારીઓને જીઍસટીના દાયરામાંથી મુક્તિ આપવામાં આવી હોવાથી વેપારીઓ પાસે જીઍસટી નંબર નથી. પરિણામે જરૂરી લાયકાત પૂર્ણ ન થવાને કારણે વેપારી વર્ગની બાકીની ત્રણ બેઠકો માટે ઉમેદવારો મળી શક્યા ન હોવાનું માનવામાં આવે છે.