ધરમપુર ડેપોમાં ૪ મિનિબસોનું લોકાર્પણ કરાયું
- byDamanganga Times
- 10 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૦૯ ઃ ભગવાન બિરસા મુંડાજીના અદમ્ય શૌર્ય, સંઘર્ષ અને જનજાતીય ગૌરવને સમર્પિત જનજાતીય ગૌરવ પરિવહન અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા ધરમપુર ઍસ.ટી. ડેપોને ફાળવવામાં આવેલી કુલ ૪ મિનિબસોનું આજે ધરમપુર ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ધરમપુરના ધારાસભ્ય તથા ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અરવિંદભાઈ પટેલના હસ્તે આ મિનિબસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ બાદ આ સેવાનો પ્રત્યક્ષ અનુભવ કરવા માટે ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ સાથે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તથા ઍસ.ટી. ડેપોના અધિકારીઓઍ મિનિબસમાં બેસીને વિદ્યાર્થીઓ માટે નિર્ધારિત રૂટ પર આસુરા શાળા સુધી પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસ દરમિયાન બસની સુવિધાઓ, માર્ગની પરિસ્થિતિ તેમજ વિદ્યાર્થીઓને મળનારી પરિવહન સેવાનો પણ પ્રત્યક્ષ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવી રહેલી આ સેવા માત્ર પરિવહન સુવિધા નહીં પરંતુ તેમના શિક્ષણ સુધી પહોંચને વધુ સરળ બનાવનાર મહત્વપૂર્ણ માધ્યમ બની રહેશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. ભગવાન બિરસા મુંડાજીને સમર્પિત જનજાતીય ગૌરવ પરિવહન અંતર્ગત શરૂ થયેલી આ નવી સેવા ધરમપુરના વિદ્યાર્થીઓ માટે સુવિધા, સુરક્ષા અને શિક્ષણની વધુ સારી તકનું માધ્યમ બનશે. આ મિનિબસોના નિયમિત સંચાલનથી વિદ્યાર્થીઓની રોજિંદી મુસાફરી સરળ બનવાની સાથે તેમના શૈક્ષણિક ભવિષ્યને પણ વધુ મજબૂત આધાર મળશે.
ધરમપુરના જનજાતીય અને અંતરિયાળ વિસ્તારોના વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતાના ભાગરૂપે શરૂ થયેલી આ પરિવહન સેવા ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ઍક મહત્વપૂર્ણ પગલું બની રહેશે.
