Damanganga Times.

Damanganga Times.

October 09, 2026

તુંબ પંચાયતમાં ગેરરીતિનો રાફડો

તુંબ પંચાયતમાં ગેરરીતિનો રાફડો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૦૮ ઃ ઉમરગામ તાલુકાના તુંબ-ધીમસા કાંકરીયા ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા અનમોલનગર ખાતે ‘ધનંજય બિલ્ડર્સ ઍન્ડ ડેવલપર્સઁ દ્વારા કરવામાં આવેલા બિલ્ડીંગ બાંધકામ સામે નિયમોના ધજાગરા ઉડ્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આ બાંધકામ માત્ર હિમાલયની ટોચ સમાન છે. ખરેખર તુંબ ધીમસા કાંકરીયા ગ્રુપ ગ્રામ પંચાયતમા છેલ્લા દસ વર્ષમાં આ પ્રકારે જ નીતિનિયમના ઉલ્લંઘન કરી મોટાભાગના બાંધકામો નિર્માણ થયેલા છે. જેનો લાભ લઈ હાલમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રોટેક્શન આપવાની શરતે કંપનીઓનું નાક દબાવી રહ્ના હોવાની ચર્ચા પણ સામે આવી રહી છે. હાલમાં જે ઘટના સામે આવી છે ઍના દસ્તાવેજોની ચકાસણી કરતા સ્પષ્ટ થાય છે કે પંચાયત પાસેથી મેળવેલી પ્રાથમિક મંજૂરી અને સ્થળ પર થયેલા બાંધકામ વચ્ચે મોટી વિસંગતતા રહેલી છે. પંચાયત દ્વારા તારીખ ૫-૬-૨૦૧૪ના રોજ કરવામાં આવેલા ઠરાવ (નંબર-૫) અનુસાર, ધનંજય બિલ્ડર્સ ઍન્ડ ડેવલપર્સના પ્રોપાઈટર દ્વારા સર્વે નં-૯૬/૨ પૈકીની જમીન પર માત્ર કમ્પાઉન્ડ વોલ તેમજ રહેણાંક ઘર બનાવવા માટે ના-વાંધા પ્રમાણપત્ર માંગવામાં આવ્યું હતું. પંચાયતે સરકારના નિયમો તથા બિનખેતીની શરતોને આધીન રહીને માત્ર આ મંજૂરી આપી હતી. પરંતુ, મળતી માહિતી મુજબ સ્થળ પર રહેણાંક ઘર કે કમ્પાઉન્ડ વોલને બદલે આખી બિલ્ડીંગ ઊભી કરી દેવામાં આવી છે, જે નિયમોનું સીધું અને ગંભીર ઉલ્લંઘન દર્શાવે છે. આ સમગ્ર ઘટના ઉજાગર થતા પંચાયતના પગ નીચે રહેલો આવ્યો છે જેથી ગ્રામ પંચાયત દ્વારા બિલ્ડરને ૭ દિવસની અલ્ટીમેટમ નોટિસ પાઠવી છે. અને નોટિસમાં જણાવ્યા મુજબ જો પંચાયત કક્ષાની બાંધકામ પરવાનગી, ૮-અ, ૭/૧૨ની નકલ અને બિનખેતી હુકમ,નગર નિયોજકનો હુકમ, પૂર્ણતા પ્રમાણપત્ર, બિલ્ડીંગ યુઝ સર્ટિફિકેટ, ઓક્યુપેન્સી સર્ટિફિકેટ, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ, બિલ્ડીંગ રેલવે ટ્રેક/રેલવે ફાટક નજીક આવેલી હોવાથી રેલવે વિભાગ પાસેથી મેળવેલ મંજૂરી, માર્ગ અને મકાન વિભાગ, ફાયર વિભાગ, પર્યાવરણ વિભાગ કે અન્ય સક્ષમ સત્તાધિકારી પાસેથી મેળવેલ ઍનઓસી સહિતના પ્રમાણપત્રોની માંગણી કરી છે. હવે પંચાયતના તલાટી કમ મંત્રીઍ પાઠવેલી નોટિસ મુજબ જો નિયત સમય મર્યાદામાં બિલ્ડર દ્વારા યોગ્ય કાયદાકીય કાગળો રજૂ કરવામાં નહીં આવે, તો આ ગેરકાયદેસર બાંધકામ સામે ગ્રામ પંચાયત કે તંત્ર દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તેના પર સૌની નજર ટકેલી છે.