વાપીને ચોખ્ખું રાખવા મનપાઍ ૩૮ દિવસમાં રૂ. ૩.૮૮ લાખ દંડ વસૂલ્યો
- byDamanganga Times
- 09 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૮ ઃ વાપી મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે શરૂ કરાયેલા સઘન સ્વચ્છતા અભિયાન હેઠળ છેલ્લા ઍક માસ અને ૩૮ દિવસમાં રૂ. ૩.૮૮ લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે.
મનપાની સેનેટરી અને ઍન્ફોર્સમેન્ટ ટીમે વાપી ટાઉન, છીરી, છરવાડા, બલીઠા, ડુંગરા, ચલા, વટાર સહિતના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં જાહેર રસ્તા પર કચરો ફેંકનાર દુકાનદારો, હોટલ-લારી સંચાલકો અને પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરતા વેપારીઓ સામે લાલ આંખ કરી હતી. તંત્ર દ્વારા પ્લાસ્ટિકની થેલીઓ જ કરી દુકાનદીઠ રૂ. ૫૦૦ થી ૫૦૦૦ સુધીનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની ગાડીમાં કચરો ન આપી જાહેરમાં ગંદકી ફેલાવનાર રહેણાંક સોસાયટીઓને પણ નોટિસ આપવામાં આવી હતી છતાં કચરો નાખનારાઓ ને આખરે દંડ ફટકાર્યો હતો. સપ્ટેમ્બરથી આજ દિન સુધીમાં મનપા ઍ ૪૬૦ લોકોને દંડ ફટકારી તેઓ પાસેથી કુલ રૂ. ૩ લાખ ૮૮ હજારથી વધુ દંડ વસૂલ્યો હતો. મનપા કમિશનરે જણાવ્યું હતું કે આ અભિયાન આગામી દિવસોમાં પણ વધુ કડકાઈથી ચાલુ રાખવામાં આવશે. શહેરને સ્વચ્છ રાખવા નાગરિકો સહકાર આપે અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરે તેવી અપીલ કરવામાં આવી છે.
