પારડી સાંઢપોરમાં તલાટીઍ જાહેરમાં કચરો ફેંકી ભાગતા ઝડપ્યા
- byDamanganga Times
- 07 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૬ ઃ ઍક તરફ સરકાર દ્વારા રાજ્યભરમાં સ્વચ્છતા અભિયાનને વેગવંતું બનાવવામાં આવી રહ્નાં છે, જેના ભાગરૂપે વલસાડ નજીક આવેલી પારડી સાંઢપોર ગ્રામ પંચાયતના સરપંચ ધર્મેશ ઉર્ફે ભોલાભાઈ પટેલ દ્વારા ગામમાં સઘન સ્વચ્છતા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ કેટલાક બેજવાબદાર નાગરિકો દ્વારા જાહેરમાં ગંદકી ફેલાવવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી હતી. વલસાડના પારડી સાંઢપોર ગામના કૈલાસ રોડ પર સ્થાનિક રહીશો તેમજ રાહદારીઓ પોતાના ઘરનો ઍંઠવાડ અને ગંદો કચરો પ્લાસ્ટિકની થેલીઓમાં ભરીને ખુલ્લા રોડ પર ફેંકી જતા હોવાનું સામે આવ્યું હતું. આ ગેરશિસ્ત સામે ગ્રામ પંચાયતે કડક વલણ અખત્યાર કર્યું છે.
આજ રોજ કૈલાસ રોડ પર ચાલુ વાહને કે ગાડીમાંથી જાહેરમાં કચરો ફેંકીને ભાગી રહેલા લોકોને પારડી સાંઢપોર ગ્રામ પંચાયતના તલાટી દ્વારા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. તલાટીઍ કચરો ફેંકનારાઓના ફોટા પાડી પુરાવા ઍકત્ર કર્યા હતા અને સ્થળ પર જ જાહેરમાં ગંદકી કરવા બદલ ૧૦૦નો દંડ ફટકાર્યો હતો. પંચાયત પ્રશાસને આ મામલે કડક સૂચના આપતાં જણાવ્યું છે કે, નિયમનો ભંગ કરનારાઓ સામે હવે સતત નજર રાખવામાં આવશે. જો કોઈ વ્યક્તિ બીજી વાર જાહેરમાં કચરો ફેંકતા પકડાશે તો તેની પાસેથી ૨૦૦ અને ત્રીજી વાર પકડાશે તો ૫૦૦નો દંડ વસૂલ કરવામાં આવશે. ગ્રામ પંચાયતની આ કડક કાર્યવાહીથી જાહેરમાં કચરો ફેંકનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સરપંચ અને તલાટીઍ ગામને સ્વચ્છ અને સુંદર રાખવા માટે તમામ ગ્રામજનોને સહકાર આપવા અપીલ કરી છે.
