Damanganga Times.

Damanganga Times.

October 07, 2026

ભીનારમાં ઘરઆંગણેથી દિપડો ૩ વર્ષના બાળકને ઉઠાવી ગયો

ભીનારમાં ઘરઆંગણેથી દિપડો ૩ વર્ષના બાળકને ઉઠાવી ગયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાંસદા, તા. ૦૬ ઃ ભીનાર ગામના કુંભાર ફળિયામાં રાત્રે ૮ઃ૩૦ વાગ્યે ઘરઆંગણેથી ત્રણ વર્ષના માસૂમ બાળકને દીપડો ઉઠાવી ગયો હતો. બાળકને ઘરથી થોડે દૂર ખેતર અને ઝાડી-ઝાંખરમાંથી ગંભીર હાલતમાં શોધી કાઢવામાં આવ્યો હતો. ૧૦૮ ઍમ્બ્યુલન્સ મારફતે તેને વાંસદા કોટેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબે તપાસ બાદ મૃત જાહેર કર્યો હતો.
બીજી અને ગંભીર ઘટના રાત્રે ૮ઃ૩૦ વાગ્યે ભીનાર ગામના કુંભાર ફળિયામાં બની હતી. મૂળ ચીખલી તાલુકાના ગોડથલ ગામના રહેવાસી આરવ પટેલ તેની માતા સાથે ભીનાર ગામના કુંભાર ફળિયામાં આવ્યા હતા. આરવના પિતા જમીનમાં ઉતરતા પાણી માટે બોરિંગના કામકાજ અર્થે હાલ રાજ્ય બહાર હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, આરવની માતા મિત્તલબેન અરુણભાઈ પટેલે ત્રણ વર્ષના બાળકને ઘર નજીક ફળિયામાં કુદરતી હાજત માટે બેસાડ્યો હતો. બાળકને બેસાડ્યા બાદ મિત્તલબેન સફાઈ માટે થોડે દૂર ગયા હતા. તેઓ પરત ફરી રહ્ના હતા તે દરમિયાન તેમની નજર સામે જ દીપડાઍ અચાનક તરાપ મારી બાળકને ગળામાં પકડી લીધું હતું અને ત્યાંથી નાસી ગયો હતો.
મિત્તલબેને બૂમાબૂમ કરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સરપંચ સહિત પોલીસ અને ફોરેસ્ટ વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. બનાવની જાણ થતાં ભીનાર તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો પણ ઍકત્ર થયા હતા.
ફોરેસ્ટ વિભાગની ટીમો અને ગ્રામજનો દ્વારા બાળકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. સ્થળની આસપાસ સર્ચ દરમિયાન ઘરથી થોડે દૂર ખેતર તથા ઝાડી-ઝાંખરમાંથી બાળક ગંભીર હાલતમાં મળી આવ્યું હતું. તેને તાત્કાલિક ૧૦૮ ઍમ્બ્યુલન્સ મારફતે વાંસદા કોટેજ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં તબીબોઍ તપાસ કર્યા બાદ બાળકને મૃત જાહેર કર્યો હતો.
બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને પગલે ફોરેસ્ટ વિભાગે રાત્રિ દરમિયાન અલગ-અલગ પાંચ ટીમો બનાવી દીપડાને શોધવા અને પાંજરે પૂરવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે સવાર સુધીમાં દીપડાનો કોઈ પત્તો લાગ્યો ન હતો.
ઘટનાની ગંભીરતાને પગલે પોલીસ અધિકારીઓ, ફોરેસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા રાજકીય આગેવાનો પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અધિકારીઓઍ સ્થળની તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.