સરોધીગામે ૧૪ કલાકથી વીજળી ડુલ થતાં ગ્રામજનોમાં આક્રોશ
- byDamanganga Times
- 07 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૬ ઃ વલસાડ તાલુકાના સરોણ, સરોધી અને કુંડી સહિતના ગામોમાં સતત ૧૪ કલાક સુધી વીજ પુરવઠો ખોરવાઈ જતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. વીજ કંપની દ્વારા સવારે ૮ઃ૦૦ થી સાંજે ૬ઃ૦૦ વાગ્યા સુધી વીજકાપ રહેવાનો મેસેજ આપવામાં આવ્યો હતો, પરંતુ સાંજે ૬ વાગ્યા પછી પણ વીજળી પૂર્વવત થઈ નહોતી. વારંવાર સમય બદલાવા છતાં રાત્રે ૧૦ઃ૩૦ વાગ્યા સુધી વીજ પુરવઠો ચાલુ ન થતાં રોષે ભરાયેલા ગ્રામજનો મોડી રાત્રે ડુંગરી સ્થિત ૬૬ કેવી સબ સ્ટેશન પર પહોંચ્યા હતા અને ઉગ્ર હોબાળો મચાવ્યો હતો. લાંબા વીજકાપના કારણે ગ્રામજનોને પીવાના અને વપરાશના પાણી માટે ભારે હાલાકી ભોગવવી પડી હતી. વીજળી ન હોવાથી વોટર મોટર ન ચાલતાં પાણીનું સંકટ ઊભું થયું હતું, જ્યારે નાના બાળકો અને વૃદ્ધોને આખી રાત અસહ્ના ગરમી અને બફારામાં વિતાવવી પડી હતી. સબ સ્ટેશન પર ઍકઠા થયેલા લોકોઍ જવાબ માગતાં ફરજ પરના અધિકારીઓ તરફથી કોઈ સંતોષકારક ખુલાસો મળ્યો નહોતો અને ઉપર લેવલે વાત કરી લઈશું જેવા ગોળ-ગોળ જવાબો આપવામાં આવતાં લોકોનો રોષ વધુ ભડક્યો હતો. વીજ કંપનીના અધિકારીના જણાવ્યા અનુસાર, સબ સ્ટેશનમાં ટેકનિકલ કામગીરી ચાલુ હોવાને કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો. ગ્રામજનોના ભારે વિરોધ અને હોબાળા બાદ આખરે મોડી રાત્રે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
