વલસાડ જિલ્લા કોîગ્રેસે સરકારને ૨૩ મુદ્દે ૧૯ અોકટો. સુધીનું અલ્ટીમેટમ આપ્યું
- byDamanganga Times
- 06 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૦૫ ઃ ધરમપુર તાલુકા કોંગ્રેસ દ્વારા જિલ્લા પ્રમુખ કિશન પટેલ તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાજેશ પટેલની આગેવાની હેઠળ વિદ્યાર્થીઓ, મજૂરવર્ગ, ખેડૂતો અને ખેડૂતના વિવિધ પડતર પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણની માંગ સાથે મામલતદાર ધરમપુર મારફતે ગુજરાતના રાજ્યપાલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આવેદનમાં કુલ ૨૩ જેટલા પ્રશ્નો રજૂ કરી આગામી તા. ૧૯ ઓક્ટોબર પહેલાં યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
આવેદનમાં વર્ષોથી સરકારી પડતર તથા જંગલની જમીન પર કબજો ધરાવતા આદિવાસી પરિવારોને કાયદેસરની પ્રક્રિયા મુજબ જમીન ફાળવવા તેમજ વન અધિકાર અધિનિયમ-૨૦૦૬ હેઠળ વર્ષોથી પેન્ડિંગ દાવાઓનો ઝડપથી નિકાલ કરવા માંગ કરવામાં આવી છે. ગ્રામસભાના ઠરાવને માન્ય રાખી યોગ્ય લાભાર્થીઓને જમીનના અધિકાર આપવા પણ રજૂઆત કરાઈ છે.
ખેડૂતોને પાણી પુરવઠા યોજનાની પાઇપલાઇન માટે સંપાદિત જમીનનું બાકી વળતર ચૂકવવા, સેટેલાઇટ માપણીમાં થયેલી જમીનના સર્વે નંબર તથા હિસ્સાની ભૂલો સરકારી ખર્ચે સુધારવા અને આદિજાતિના દાખલા મેળવવાની પ્રક્રિયા સરળ બનાવવા માંગ કરાઈ છે. ખેડૂતોના પ્રશ્નોમાં ખેતીલક્ષી વીજ પુરવઠો ૮ કલાકથી વધારી ૧૨ કલાક કરવા, પાક વીમાની પ્રક્રિયા સરળ બનાવવા, પાક નુકસાનનું ઝડપી સર્વે અને યોગ્ય વળતર આપવા તથા કમોસમી વરસાદથી ખાસ કરીને કેરી સહિતના બાગાયતી પાકને થતા નુકસાન માટે સહાય પેકેજ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત ખાતર-દવાઓ અને ઉત્પાદન ખર્ચમાં ઘટાડો, યુરિયાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવો, ખેડૂતોને પોષણક્ષમ ભાવ અને બાગાયતી પાકો માટે ટેકાના ભાવની વ્યવસ્થા, ખાનગી ધિરાણના ઊંચા વ્યાજમાંથી ખેડૂતોને રાહત તેમજ જંગલી પ્રાણીઓથી પાકને થતા નુકસાનનું પૂરતું વળતર આપવા રજૂઆત કરાઈ છે.
ધરમપુર-કપરાડાના અંતરિયાળ વિસ્તારોમાં અસ્ટોલ યોજના મારફતે પીવાનું પાણી પહોંચાડવા, સર્પદંશની સારવારને આયુષ્માન કાર્ડ હેઠળ આવરી લેવા તેમજ ગેરકાયદેસર દારૂના વહન પર કડક નિયંત્રણની પણ માંગ કરવામાં આવી છે.
આ પ્રસંગે તાલુકા કોંગ્રેસ તાલુકા મહામંત્રી મુફિદ પઠાણ, તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા દેવુભાઈ મોકાશી, વસંત પટેલ, રમેશભાઈ પાડવી, રાહુલ પટેલ, કોંગ્રેસના હોદ્દેદારો સરપંચો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા
રજુ કરાયેલ આવેદનપત્ર દ્વારા આ પ્રશ્નો અંગે સમયસર હકારાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.
