વાપી મનપામાં ઍસઆઈ અને કોમ્પ્યુટર ઓપરેટરની ભરતી માટે ઉમેદવારો ઉમટ્યા
- byDamanganga Times
- 06 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, વાપી મહાનગરપાલિકા દ્વારા ૧૧ માસના હંગામી કરાર હેઠળ સેનેટરી ઇન્સ્પેક્ટર અને કોમ્પ્યુટર ઓપરેટરની ભરતી માટે આજે વાપી મનપાની મુખ્ય કચેરી ખાતે ઓપન ઇન્ટરવ્યૂ યોજાયો હતો. ભરતી અંગે જાણ થતાં મોટી સંખ્યામાં યુવાનો અને યુવતીઓ ઇન્ટરવ્યૂ આપવા માટે પહોંચ્યા હતા.
વાપી મહાનગરપાલિકાના વિવિધ વોર્ડમાં સફાઈ કામગીરી તેમજ ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની કામગીરીના સુપરવિઝન માટે દરેક વોર્ડમાં સેનેટરી ઇન્સ્પેક્ટરની ૧૧ માસના હંગામી કરાર આધારિત ભરતી કરવાની છે. આ ઉપરાંત વાપી મનપાની મુખ્ય કચેરી તથા ઝોન કચેરી ખાતે આધાર સેન્ટર શરૂ કરવા માટે ત્રણ કોમ્પ્યુટર ઓપરેટરની પણ ભરતી કરવામાં આવનાર છે. આ ભરતી -ક્રિયા અંતર્ગત આજે મનપાની મુખ્ય કચેરી ખાતે ઓપન ઇન્ટરવ્યૂ યોજાયો હતો. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિશાલ પટેલ દ્વારા ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. જોકે, મોટી સંખ્યામાં ઉમેદવારો ઇન્ટરવ્યૂ આપવા માટે ઉમટી પડતાં મનપાની કચેરીમાં ઉપલબ્ધ બેઠક વ્યવસ્થા ઓછી પડી હતી.
પરિણામે અનેક ઉમેદવારોઍ કચેરીની બહાર ઊભા રહી પોતાનો નંબર આવે તેની રાહ જોવી પડી હતી. ખાસ કરીને મોડી સાંજ સુધી પણ મોટી સંખ્યામાં યુવાનો અને યુવતીઓ કચેરી બહાર પોતાના ઇન્ટરવ્યૂના વારા માટે રાહ જોતા જોવા મળ્યા હતા.
