Damanganga Times.

Damanganga Times.

October 06, 2026

વાપીના વર્ષો જૂના ગાયત્રી માતાજી મંદિરનું રિનોવેશન સંપન્ન

વાપીના વર્ષો જૂના ગાયત્રી માતાજી મંદિરનું રિનોવેશન સંપન્ન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૫ ઃ વાપીમાં પેપીલોન હોટલ પાછળ આવેલું વર્ષો જૂનું ગાયત્રી માતાજીનું મંદિર લાખો રૂપિયાના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે. મંદિરના જીર્ણોદ્ધાર સાથે ગાયત્રી માતાજીની નવી પ્રતિમા સ્થાપિત કરી પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી છે. તેમજ મંદિર પરિસરમાં શિવ મંદિરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. રિનોવેશન બાદ અહીં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવી રહ્ના છે. પ્રા વિગતો મુજબ, વાપી જીઆઈડીસીની સ્થાપના બાદ દેશના વિવિધ રાજ્યોમાંથી લોકો રોજગાર માટે વાપી આવ્યા હતા. તે સમયે વાપીમાં વિવિધ દેવી-દેવતાઓનાં મંદિરો હોવા છતાં ગાયત્રી માતાજીનું મંદિર ન હોવાથી મંદિર નિર્માણની ચળવળ શરૂ થઈ હતી. વર્ષ ૧૯૮૨માં વાપી બજારના જાણીતા ધોનધે પરિવારે વૈશાલી ટોકીઝ અને મહેસાણા નગર વિસ્તારમાં આવેલા પોતાના ત્રણ કિંમતી પ્લોટ ગાયત્રી માતાજીનું મંદિર બનાવવા માટે દાનમાં આપ્યા હતા.
ત્યારબાદ વાપીના દેસાઈ પરિવારના અગ્રણીઓ તથા અન્ય દાતાઓના સહયોગથી અહીં ગાયત્રી માતાજીનું મંદિર બનાવવામાં આવ્યું હતું. સમય જતાં આ મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું હતું. જોકે વાપીની વધતી વસ્તી અને મંદિર જૂનું થતાં મંદિરનું નવીનીકરણ કરવાની જરૂરિયાત ઊભી થઈ હતી. નવા ટ્રસ્ટી મંડળના અનિલભાઈ દેસાઈ, નિમેષભાઈ વસી, રોહિત ભાઈ પટેલ, રાજનારાયણ તિવારી, રાજુભાઈ રાણા, મનોજભાઈ પટેલ, ભાવેશ દેસાઈ સહિતના આગેવાનો દ્વારા દાતાઓના સહયોગથી લાખો રૂપિયાનો ફાળો ઍકત્ર કરી મંદિરનું રિનોવેશન કરાવવામાં આવ્યું છે. નવી પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા સાથે મંદિર પરિસરમાં શિવ મંદિરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.
મંદિરના વિવિધ ધાર્મિક પ્રસંગોમાં આસપાસના વિસ્તારના ભક્તો ઉપરાંત મહેસાણા નગરના અગ્રણીઓ અને મહેસાણા મહિલા મંડળની બહેનો પણ ઉત્સાહપૂર્વક ભાગ લે છે. રિનોવેશન બાદ મંદિર વધુ સુવિધાયુક્ત બનતાં અહીં ભક્તોની અવરજવર પણ વધી છે.