રોલામાં ત્રિ-દિવસીય નવરાત્રી મહોત્સવ યોજાશે
- byDamanganga Times
- 06 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૫ ઃ વલસાડ તાલુકાના રોલા ગામે ચાલતા રોલા ગ્રામ વિકાસ ટ્રસ્ટના સેવાકીય લાભાર્થે આગામી તારીખ ૮, ૯ અને ૧૦ ઓક્ટોબરના રોજ રોલા ગામ સ્થિત પરમ હોસ્પિટાલિટીના વિશાળ પરિસરમાં ભવ્ય પ્રી-નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રી પૂર્વે યોજાનારા આ ભવ્ય મહોત્સવને પગલે રોલા સહિત સમગ્ર વલસાડ જિલ્લાના ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ અને રોમાંચ જોવા મળી રહ્ના છે. આ ત્રિ-દિવસીય મહોત્સવમાં ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો ખેલૈયાઓને પોતાના તાલે ઝુમાવશે, ૮ ઓક્ટોબરના રાત્રે ગુજરાતના જાણીતા લોકગાયક કિર્તીદાન ગઢવી બીજા દિવસે ૯ ઓક્ટોબરના રાત્રે લોકપ્રિય મ્યુઝિકલ ગ્રૂપ બામ્બુ બીટ્સ તથા ત્રીજા દિવસે ૧૦ ઓક્ટોબરના રાત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ ગાયિકા ઐશ્વર્યા મજમુદાર ખેલૈયાઓને ગરબે ગુમાવશે. આયોજન અંગે માહિતી આપતાં રોલા ગ્રામ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ ચિંતનભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગત વર્ષે આ પ્રી-નવરાત્રીનું સફળ આયોજન સુરતમાં કરવામાં આવ્યું હતું. આ વર્ષે આ કલાકારોનું આયોજન સેલવાસ માં થવાનું હતું, પરંતુ વલસાડના લોકો માટે પણ આવો ભવ્ય કાર્યક્રમ થાય તેવા વિચાર સાથે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને હોદ્દેદારો સાથે વિચાર-વિમર્શ કરી વલસાડના રોલા ગામે આ ત્રિ-દિવસીય મહોત્સવ રાખવાનો નિર્ણય લેવાયો હતો. પરમ હોસ્પિટાલિટીના વિશાળ મેદાનમાં ૫,૦૦૦થી વધુ ખેલૈયાઓ ગરબે રમી શકે તેમજ ૫,૦૦૦થી વધુ દર્શકો દેશી ગરબા અને સંગીતનો આનંદ માણી શકે તેવી ઉત્કૃષ્ટ બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત મુલાકાતીઓ માટે હજારો વાહનો સમાઈ શકે તેવું વિશાળ પાર્કિંગ પણ ઉપલબ્ધ કરાયું છે. ત્રણ દિવસના ગરબા મહોત્સવ માટે પાસની કિંમત ૧,૧૦૦ રાખવામાં આવી હતી. ખેલૈયાઓના અભૂતપૂર્વ ઉત્સાહ વચ્ચે અત્યાર સુધીમાં તમામ ૫,૦૦૦ પાસનું વિતરણ પૂર્ણ થઈ ચૂક્યું છે. કાર્યક્રમ સ્થળે ભીડ નિયંત્રણ અને બેઠક વ્યવસ્થા સુચારુ રહે તેમજ કોઈ અગવડ ન પડે તે હેતુથી ટ્રસ્ટ દ્વારા હવે વધુ પાસનું વિતરણ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રોલા ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદોને અનાજ કીટ વિતરણ, વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ, વડીલો અને બાળકો માટે ધાર્મિક પ્રવાસ સહિતની અનેકવિધ પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે.
