વલસાડમાં નવરાત્રીને લઈ ખલૈયાઅોમાં અનેરો થનગનાટ
- byDamanganga Times
- 06 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા.૦૫ ઃ આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ નવલી નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્ના છે. ત્યારે સમગ્ર વલસાડ જિલ્લામાં ઉત્સવનો માહોલ જામ્યો છે. ગરબે ઘૂમવા માટે ઉત્સુક ખેલૈયાઓ પોતાના ગ્રુપ સાથે મન મૂકીને ઝૂમવા આતુર બન્યા છે. બજારોમાં ટ્રેડિશનલ ડ્રેસ, કેડિયા, ધોતી, ચણિયા-ચોળી તેમજ અવનવા ઓર્નામેન્ટ્સની ખરીદી અને ભાડે લેવા માટે ભારે ભીડ જોવા મળી રહી છે. ખેલૈયાઓ મોંઘાદાટ અને આકર્ષક પહેરવેશ સાથે મેદાનમાં ઉતરવા સજ્જ થઈ રહ્ના છે.
મોટા આયોજકો દ્વારા ભવ્ય ડેકોરેશન અને પાસનું વેચાણ વલસાડ શહેરમાં ગોકુળ ગ્રુપ, ધ રાઇઝિંગ ગ્રુપ, રંગતાળી અને અનાવિલ સમાજ જેવા મોટા ગરબા આયોજકો દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્ના છે. વિશાળ ડોમ, આકર્ષક થીમ આધારિત મંડપ અને અદ્યતન લાઇટિંગ-સાઉન્ડ સિસ્ટમ ઊભી કરવામાં આવી રહી છે. મોટા આયોજનોમાં પ્રવેશ માટે મોંઘાદાટ પાસનું ધૂમ વેચાણ શરૂ થઈ ચૂક્યું છે.
ખેલૈયાઓને મન મૂકીને ગરબે રમાડવા માટે આયોજકો દ્વારા નામાંકિત ગાયક કલાકારો અને જાણીતી ઓર્કેસ્ટ્રા ટીમોને આમંત્રિત કરવામાં આવી છે. આ ઉપરાંત, ખેલૈયાઓનો ઉત્સાહ વધારવા માટે બેસ્ટ ખેલૈયા, બેસ્ટ ડ્રેસિંગ સહિત વિવિધ કેટેગરીમાં દરરોજ આકર્ષક ઇનામોની વહેંચણી કરવામાં આવશે.
માત્ર મોટા કોમર્શિયલ ગરબા જ નહીં, પરંતુ વલસાડ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં શેરી ગરબાનું આયોજન પણ જોરશોરથી ચાલી રહ્નાં છે. સોસાયટીઓ અને મહોલ્લાઓમાં રંગબેરંગી રોશની, કલાત્મક તોરણો, ભવ્ય સ્ટેજ અને માતાજીના સુંદર માંડવા-મંદિર તૈયાર કરવામાં આવી રહ્ના છે. સમગ્ર પંથકમાં નવરાત્રીના વધામણાં માટેનો ઉત્સાહ ચરમસીમાઍ પહોંચ્યો છે.
