વલસાડમાં કચરામાંથી શાકભાજી વીણવા ગરીબ બાળકો મજબૂર
- byDamanganga Times
- 06 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૫ ઃ દિવસેને દિવસે આસમાને પહોંચતી મોંઘવારી સામાન્ય અને ગરીબ વર્ગની કમર તોડી રહી છે. બે ટંકનું ભોજન મેળવવા માટે શ્રમજીવી પરિવારો સખત મહેનત કરી રહ્ના છે, છતાં મોંઘવારી સામે પરિવારનું ભરણપોષણ કરવું અત્યંત કપરું બન્યું છે. ઝૂંપડપટ્ટી કે કાચા છાપરામાં રહેતા પરિવારોના બાળકો ક્યારેક રસ્તાઓ પર કે દુકાનો આગળ મદદ માગતા જોવા મળે છે, ત્યારે તાજેતરમાં વલસાડ ની શાકભાજી માર્કેટમાંથી સામે આવેલા દ્રશ્યોઍ સંવેદનશીલ નાગરિકોના હૃદય હચમચાવી દીધા છે.
શાકભાજી માર્કેટમાં સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી નગરપાલિકા દ્વારા કચરો ઍકત્ર કરવા માટે ટ્રેક્ટર-ટ્રોલી મૂકવામાં આવી છે. આ ટ્રોલીમાં વેપારીઓ દ્વારા ફેંકી દેવાયેલા સડેલા ટામેટાં, ભીંડા, ફળો અને અન્ય શાકભાજી નાખવામાં આવે છે. પરંતુ આ ગંદકીવાળી ટ્રોલીમાં કેટલાક અત્યંત ગરીબ પરિવારના માસૂમ બાળકો ચડીને પોતાના ઘર માટે ઉપયોગમાં લઈ શકાય તેવા શાકભાજી શોધતા નજરે પડ્યા હતા. મોંઘવારીના કારણે તાજા શાકભાજી ખરીદવાની ક્ષમતા ન હોવાથી આ બાળકો કચરામાં ફેંકાયેલી સડી-બગડી ગયેલી શાકભાજી વીણીને ઘરે લઈ જવા લાચાર બન્યા છે. ઍક તરફ વિકાસ અને સ્વચ્છતાના દાવા થઈ રહ્ના છે.
ત્યારે બીજી તરફ પેટનો ખાડો પૂરવા કચરામાંથી અન્ન શોધતા આ બાળકોના કરુણ દ્રશ્યો સમાજ અને તંત્ર બંને સામે ગંભીર સવાલો ઊભા કરે છે. આવા પરિવારો સુધી સરકારી કલ્યાણકારી યોજનાઓ અને પૂરતું રાશન સમયસર પહોંચે તે માટે તાકીદે નક્કર પગલાં લેવાય તેવી લોકમાંગ ઉઠી છે.
