વાપીની સલવાવ સ્કૂલના બે વિદ્યાર્થીઅો ઝળક્યા
- byDamanganga Times
- 05 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૪ ઃ ‘વડનગરનો વારસો’ કાર્યક્રમ અંતર્ગત વડનગરના ઐતિહાસિક તાનારીરી ગાર્ડન ખાતે રાજ્યકક્ષાની ‘સુર પંચમ લોકગીત સ્પર્ધા’ યોજાઈ હતી. સમગ્ર ગુજરાતમાંથી કલાકારોઍ ભાગ લીધો હતો. જેમાં વાપીના બે કલાકારોઍ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સફળતા મેળવી હતી.
સ્પર્ધાની ઍ કેટેગરી અંડર-૧૭માં વાપીના ઓમ વાલજી દામાઍ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. જ્યારે બી કેટેગરી ૧૮થી ૩૫ વર્ષમાં વાપીના પૂજાબેન નૈનેશભાઈ ચૌહાણે તૃતીય ક્રમાંક પ્રા કર્યો હતો.
તાનારીરી ગાર્ડન ખાતે ૩,૦૦૦થી વધુ સંગીત પ્રેમી શ્રોતાઓની ઉપસ્થિતિમાં બંને કલાકારોઍ લોકગીતની સુંદર રજૂઆત કરી હતી. જેને શ્રોતાઓઍ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. વિજેતાઓને જાણીતા લોકગાયક રાકેશભાઈ બારોટના હસ્તે રોકડ પુરસ્કાર અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
ઓમ દામા હાલમાં શ્રી સ્વામિનારાયણ સેકન્ડરી ઍન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ, સલવાવના ગુજરાતી માધ્યમમાં ધો.૧૨માં અભ્યાસ કરે છે. બાળપણથી જ સંગીત પ્રત્યે લગાવ ધરાવતા ઓમ ગાયનની સાથે હાર્મોનિયમ અને તબલા વાદનમાં પણ નિપુણતા ધરાવે છે. ઓમ દામાની આ સિદ્ધિ બદલ શ્રી સ્વામિનારાયણ સલવાવના ટ્રસ્ટીઓ અને આચાર્ય ચંદ્રવદન પટેલ તથા સમગ્ર સ્ટાફે અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
