હનમતમાળની ગ્રામસભામાં અધિકારીઅો જ ગેરહાજર
- byDamanganga Times
- 05 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૦૪ ઃ ધરમપુર તાલુકાના હનમતમાળ ખાતે તા. ૨ ઓક્ટોબરના રોજ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધીજીની જન્મજયંતીના દિવસે યોજાયેલી ગ્રામસભા પૂર્વે ગાંધીજીની પ્રતિમા સમક્ષ પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ગ્રામસભામાં ગામના વિવિધ સ્થાનિક પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જોકે, સંબંધિત વિભાગોના કર્મચારીઓ અને અધિકારીઓ હાજર ન રહેતાં ગ્રામજનોમાં નારાજગી જોવા મળી હતી. ગ્રામજનોના જણાવ્યા મુજબ તલાટી સિવાય અન્ય વિભાગના કર્મચારીઓ હાજર ન હોવાથી વીજળી, ખેતી, રસ્તા સહિતના પ્રશ્નોની સીધી રજૂઆત સંબંધિત અધિકારીઓ સમક્ષ થઈ શકી નહોતી.
આ અંગે પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય ઝીણાભાઈ પવાર સહિત આગેવાનોઍ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગ્રામસભામાં ગામના વિવિધ પ્રશ્નોની રજૂઆત માટે સંબંધિત વિભાગના અધિકારીઓની હાજરી જરૂરી છે. આગામી ગ્રામસભામાં પણ આવી સ્થિતિ સર્જાશે તો ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવશે.
ગામના સામાજિક કાર્યકર વિજયભાઈ મહાલાઍ પણ અધિકારીઓની ગેરહાજરી અંગે નારાજગી વ્યક્ત કરી હતી. ગ્રામસભામાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતા ખેતીને અસર થતી હોવાનો પ્રશ્ન ઉઠાવી નિયમિત વીજ પુરવઠો મળી રહે તેવી માંગ કરવામાં આવી હતી.
ઉપરાંત ગામના માર્ગો પરથી પૂરઝડપે વાહનો પસાર થતાં અકસ્માતની શક્યતા અંગે ચિંતા વ્યક્ત કરી બેરિકેટ મૂકવાની માંગ કરવામાં આવી હતી. આગામી નવરાત્રિ દરમિયાન ગામમાં જરૂરી વ્યવસ્થા અને આયોજન અંગે યુવાનો સાથે ચર્ચા કરવાની બાબત પણ રજૂ થઈ હતી.
ગ્રામસભામાં તાલુકા પંચાયતના સભ્ય રમણભાઈ, ગામના સરપંચ રાસલી બેન મહાલા, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય ઝીણાભાઈ પવાર સહિત આગેવાનો, હોદ્દેદારો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્ના હતાક.
