Damanganga Times.

Damanganga Times.

October 05, 2026

સુથારપાડામાં રહસ્યમય રીતે કિશોરીનાં મોતથી ચકચાર

સુથારપાડામાં રહસ્યમય રીતે કિશોરીનાં મોતથી ચકચાર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા.૦૪ ઃ કપરાડા તાલુકાના સુથારપાડા ગામના મંદિર ફળિયામાં રહેતી ૧૬ વર્ષીય કિશોરીનું તા.૧ ઓક્ટોબરની રાત્રે રહસ્યમય સંજોગોમાં મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. બનાવ અંગે તા.૨ ઓક્ટોબરના રોજ કપરાડા પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસમાં જાહેર કરાયેલી હકીકત મુજબ, મરણ પામનાર દુર્ગાબેન સુભાષભાઈ ગુંબાડે ધોરણ ૧૦ સુધી અભ્યાસ કર્યા બાદ ઘરે રહી ઘરકામ કરતી હતી. તેના માતા-પિતા છેલ્લા દોઢેક મહિનાથી મહારાષ્ટ્ર ખાતે મજૂરી કામ માટે ગયેલા હોવાથી દુર્ગાબેન સહિત તેમના ત્રણ સંતાનોની સારસંભાળ પરિવારના અન્ય સભ્યો રાખતા હતાં.

તા.૧ ઓક્ટોબરની રાત્રે પરિવારજનો ભોજન બાદ સુઈ ગયા હતાં. દરમિયાન પરિવારના વડીલ રેશમીબેન સુભાષભાઈના ઘરે પાણી લેવા ગયા હતાં. દરવાજો ન ખુલતાં તેમણે અંદર તપાસ કરતાં દુર્ગાબેન નજરે ન આવતા ઘરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ દુર્ગાબેન ગંભીર હાલતમાં મળી આવતા પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. પરિવારજનોઍ તાત્કાલિક તેને નીચે ઉતારી સારવાર માટે ૧૦૮ મારફતે સુથારપાડા ખાતેના સરકારી દવાખાને ખસેડી હતી. જોકે ફરજ પરના તબીબે તપાસ બાદ દુર્ગાબેનને મૃત જાહેર કરી હતી. બનાવ અંગે કપરાડા પોલીસને જાણ થતાં પોલીસે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.